વિદેશી વકીલો કે સંસ્થાઓને કોર્ટમાં હાજર રહેવા મંજૂરી નહીં અપાય
નવી દિલ્હી, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ રવિવારે ભારતીય વકીલોને ખાતરી આપી હતી કે વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓને કોઈપણ કોર્ટ અથવા ન્યાયિક ફોરમમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તે ફક્ત વિદેશી અને આંતરરાષ્ટ્રીય કાયદાના સંબંધમાં તેમના ગ્રાહકોને સલાહ આપી શકશે.
બીસીઆઈએ તાજેતરમાં વિદેશી વકીલો અને કાનૂની પેઢીઓને વિદેશી કાયદો, આંતરરાષ્ટ્રીય કાયદા મુદ્દે અને મધ્યસ્થતાના કેસ જેવા અમુક ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી હતી.
આ અંગે મિશ્ર પ્રતિસાદ આવ્યો હતો અને કેટલીક ગેરસમજણો ઊભી થઇ હતી. તેના પછી આ આશ્વાસન આપવાની ફરજ પડી હતી. બીસીઆઈએ જણાવ્યું હતું કે, ભારતમાં વિદેશી વકીલો અને કાનૂની સંસ્થાઓના પ્રવેશ અંગે બીસીઆઈ દ્વારા પ્રકાશિત કરાયેલ તાજેતરની ગેઝેટ નોટિફિકેશન અંગે કેટલીક ગેરસમજણો ઊભી થઈ છે. તેથી બીસીઆઈ આ મુદ્દે સ્પષ્ટતા કરવાનું યોગ્ય માને છે.
બીસીઆઈના સેક્રેટરી શ્રીમંતો સેન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વિદેશી વકીલો અને કાનૂની સંસ્થાઓને તેમના ગ્રાહકોને માત્ર વિદેશી કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ પર સલાહ આપવાની મંજૂરી આપવામાં આવશે. નિવેદન અનુસાર વિદેશી વકીલો અને કાનૂની સંસ્થાઓને કોઈપણ કોર્ટ, ટ્રિબ્યુનલ બોર્ડ, કોઈપણ કાનૂની અથવા નિયમનકારી ઓથોરિટી અને ન્યાયિક ફોરમ સમક્ષ હાજર થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. SS2.PG