Western Times News

Gujarati News

દક્ષિણ કોરિયામાં માર્શલ લોની ઘટનાને પગલે પૂર્વ સંરક્ષણ મંત્રીની ધરપકડ

સિઓલ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સૂક યેઓલે ગયા અઠવાડિયે માર્શલ લા જાહેર કર્યા બાદ કથિત રાજદ્રોહની તપાસ વચ્ચે રવિવારે ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી કિમ યોંગ-હ્યુનની ધરપકડ કરી લેવામાં આવી છે. આમ, આ કેસમાં ધરપકડ થનાર તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા છે.

રાજકીય ઉથલપાથલની તપાસ કરી રહેલા વિશેષ તપાસ કાર્યાલયે જણાવ્યું હતું કે કિમ સ્વેચ્છાએ તપાસ ટીમ સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેમનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમની અટકાયત કરવામાં આવી હતી. અહેવાલમાં જાણવા મળ્યું છે કે પોલીસે રવિવારે કિમની ભૂતપૂર્વ ઓફિસ અને ઘરમાં તપાસ હાથ ધરી હતી.

એવું માનવામાં આવે છે કે કિમના આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને ભૂતપૂર્વ સંરક્ષણ વડા દ્વારા પુરાવાનો નાશ કરવાની સંભાવનાને ધ્યાનમાં લેતાં તેમની ધરપકડ કરાઈ છે.જણાવી દઈએ કે કિમ રાત્રે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન હેડક્વાર્ટરમાં પૂછપરછ માટે હાજર થયાના લગભગ છ કલાક પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.

ઉલ્લેખનીય છે કે કિમે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલને માર્શલ લા લાદવાની ભલામણ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ વિપક્ષ-સાથે વધતી જતી રાજકીય મડાગાંઠ વચ્ચે મંગળવારે મોડી રાત્રે માર્શલ લાની જાહેરાત કરી હતી.

પરંતુ નેશનલ એસેમ્બલી દ્વારા તેમના નિર્ણયની વિરુદ્ધમાં મતદાન કર્યાના માત્ર છ કલાક બાદ રાષ્ટ્રપતિએ આદેશને ઉલટાવી દીધો હતો. આ ઘટનાક્રમ બાદ કિમે રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ ગુરુવારે સ્વીકારી લીધું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.