જમીન NA કરાવવા માંગેલી 50 હજારની લાંચ કેસમાં પૂર્વ મામલતદારને 3 અને તલાટીને 1 વર્ષની સજા
વર્ષ ર૦૧રમાં આ જમીનમાં પોલ્ટ્રીફાર્મ તથા દાણ બનાવવાની ફેકટરી અને કોલ્ડરૂમ બનાવવા જમીન NA કરાવવાની કાર્યવાહી પેટે માંગ્યા હતા
આણંદ, ૧ર વર્ષ અગાઉ મહિલા મામલતદાર અને શીલી ગામના તલાટી પ૦ હજારની લાંચ લેતા મહિલા મામલતદાર આણંદ એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા. આ અંગેનો કેસ આણંદની જિલ્લા કોર્ટમાં ચાલી જતા મામલતદારને ત્રણ વર્ષની કેદ અને તલાટીને એક વર્ષની કેદ તેમજ દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે.
ઉમરેઠના શીલી ગામમાં રહેતા અનિલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ગામમાં ૧પ વિઘા જમીન આવેલી છે. વર્ષ ર૦૧રમાં આ જમીનમાં તેમણે પોલ્ટ્રીફાર્મ તથા દાણ બનાવવાની ફેકટરી અને કોલ્ડરૂમ બનાવ્યો હતો. આ અંગેની પરવાનગી માટે તેમણે ઉમરેઠ તાલુકા પંચાયતમાં અરજી કરી હતી.
જે અરજીના અનુસંધાને તત્કાલિન મામલતદાર દિપીકા અમૃતલાલ પંચાલ (મૂળ રહે. ચાંદલોડિયા, અમદાવાદ, હાલ રહે. અમોધપાર્ક સોસાયટી, ઓડ અને ઉમરેઠ વાંટામાં રહેતો તલાટી દીપક રણજીતસિંહ પુવાર સ્થળ તપાસ માટે આવ્યા હતા જયાં તેઓએ એન.એ. કરાવવાની જરૂરી કાર્યવાહી કરવાની તથા બાંધકામ નકશા મુજબનું ન હોવાનું જણાવ્યું હતું.
જે પરમિશન મેળવવા તેમને બીજા દિવસે કચેરીએ બોલાવ્યા હતા અને રૂપિયા પાંચ લાખ લાંચ પેટે માગ્યા હતા. પરંતુ રકઝક બાદ રૂપિયા દોઢ લાખમાં નકકી કરી એ પેટે રૂપિયા પ૦ હજાર પ્રથમ આપવાની વાત થઈ હતી. ત્યારબાદ ૪ સપ્ટેમ્બરે કચેરીમાં જ પ૦ હજાર લેતા આણંદ એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધા હતા.
આ અંગેનો કેસ આણંદની જિલ્લા કોર્ટમાં ચાલી ગયો હતો. જયાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નરેન્દ્રસિંહ મહીડાએ ર૪ પુરાવા અને ૯ સાક્ષીઓને તપાસ્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખી મહિલા મામલતદાર દિપીકા પંચાલ અને તલાટીને કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો તથા તલાટી દીપક પુવારને એક વર્ષની કેદ ફટકારી છે.