પૂર્વ ધારાસભ્યનો પુત્ર પ્રેમિકાના મોજશોખ પૂરા કરવા ચેઈન સ્નેચર બન્યો

અમદાવાદ, શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના લોકઅપમં કેદ એક ચેઈન સ્નેચર કોઈ રીઢો ગુનેગાર નહીં પરંતુ પ્રેમમાં આંધળો બનેલો પ્રેમી છે. પ્રેમિકાના મોજશોખ પૂરા કરવા માટે યુવકે ચેઈન સ્નેચિંગ શરૂકર્યું જેમાં તે સફળ થાય તે પહેલાં પોલીસે તેને ઝડપી લીધો છે. યુવકની પૂછપરછ કર્યા બાદ તેની હકીકત સાંભળીને પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
યુવક મધ્યપ્રદેશના કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે. માતા-પિતા અને ઘર છોડીને યુવક અમદાવાદ આવી ગયો હતો અને ૧પ હજાર રૂપિયામાં નોકરી કરવા લાગ્યો હતો. નોકરી દરમિયાન યુવકને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જેમાં તેના મોજશોખ એટલા મોટા હતા કે તે પૂરા કરી શકયો નહીં અને અંતે ગુનાખોરીના રવાડે ચઢી ગયો.
શહેરના દિવસેને દિવસે ચેઈન સ્નેચિંગની ઘટનાઓ બનતી હોય છે. ચેઈન સ્નેચર્સના કારણે અમદાવાદીઓ ખૌફમાં જીવતા હોય છે કે કયાંક તેમના ગળામાંથી ચેઈન સ્નેચિંગ તો નહીં થઈ જાય ને. લોકોના મનમાં એક વિચાર આવતો હોય છે કે ચેઈન સ્નેચિંગ કરતી અલગ અલગ ગેંગ છે.
જે રાહદારી તેમજ વાહનચાલકોને ટાર્ગેટ કરતી હોય છે. ઘાટલોડિયા પોલીસના સકંજામાં એક એવો યુવક આવ્યો છે કે જેણે કોઈ ગેંગ માટે નહીં પરંતુ પ્રેમિકા માટે ચેઈન સ્નેચિંગનો ગુનો પહેલી વખત કર્યો હતો.
થલતેજ વિસ્તારમાં આવેલા જયઅંબેનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો રપ વર્ષીય પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવત હાલ પોલીસની કસ્ટડીમાં છે. પ્રદ્યુમનસિંહે થોડા દિવસ પહેલાં એક મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ કર્યું હતું. રપ જાન્યુઆરીના રોજ રાતે મેમનગર રાજવી ટાવરમાં રહેતા ૬પ વર્ષીય વસંતીબહેન ઐયર ચાલતા ચાલતા જતા હતા. ત્યારે એક યુવક તેમના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઈન કટર વડે તોડીને નાસી ગયો હતો. યુવક પણ ચાલતો આવ્યો હતો અને તે ચેઈન સ્નેચિંગ કરીને દોડી ગયો હતો. વસંતીબહેને આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
પોલીસે વસંતીબહેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, આ ચેઈન સ્નેચિંગની ઘટના પ્રદ્યુમનસિંહે કરી છે. પોલીસે પ્રદ્યુમનસિંહની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. પ્રદ્યુમનસિંહ મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં આવેલા માલહેડા ગામનો રહેવાસી છે. પ્રદ્યુમનસિંહના પિતા વિજેન્દ્રસિંહ ચંદ્રાવત મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકયા છે.
પ્રદ્યુમનસિંહ ઘરેથી કંટાળી ગયો હોવાથી તે અમદાવાદ આવી ગયો હતો અને ભાડાના મકાનમાં રહેતો હતો. પ્રદ્યુમનસિંહ ૧પ હજાર રૂપિયાના પગારથી નોકરી કરતો હતો અને તેનું ગુજરાન ચલાવતો હતો. પ્રદ્યુમનસિંહને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો જેના કારણે તેનો ખર્ચો વધી ગયો હતો. પ્રદ્યુમનસિંહ જે યુવતીને પ્રેમ કરે છે તે અમદાવાદની રહેવાસી છે અને પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે. પ્રદ્યુમનસિંહની ધરપકડ બાદ તેના માતા-પિતા હજુ સુધી અમદાવાદમાં તેને જોવા પણ આવ્યા નથી તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.