પૂર્વ પીએમ મનમોહન સિંઘની અસ્થિઓ યમુનામાં વિસર્જિત
(એજન્સી)નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની અસ્થિઓને રવિવારે યમુના નદીમાં શીખ વિધિ સાથે વિસર્જિત કરવામાં આવી હતી. દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રવિવારે અસ્થિ વિસર્જન દરમિયાન કોંગ્રેસના કોઇ નેતા ન દેખાતાં ભાજપે પ્રહારો કર્યા છે.
તેનો આક્ષેપ હતો કે, અસ્થિ વિસર્જન વખતે કોંગ્રેસના કોઈ નેતા આવ્યા ન હતા, કોંગ્રેસના નેતાઓ માત્ર ફોટો પડાવવા માટે જ અંતિમ સંસ્કારમાં હાજર હતા.શીખ પરંપરા મુજબ રવિવારે પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંઘની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ડૉ. મનમોહન સિંઘના પત્ની ગુરશરણ કૌર અને પરિવારના અન્ય સભ્યો નિગમ બોધ ઘાટથી અસ્થિ અને અવશેષો લઈને ગુરુદ્વારા મજનૂ કા ટીલા પહોંચ્યા હતાં. અહીં શબદ કીર્તન, પારાયણ અને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પછી અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.