મુંબઇમાં ભારે વરસાદથી ચાર વ્યક્તિના મોત નિપજ્યાં
મુંબઇ, મુંબઇ અને પુણેમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. મુંબઇમાં બુધવારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકલ ટ્રેનની સેવાને અસર થઈ હતી.
૧૪ ફ્લાઇટ્સના રુટ્સ ડાઇવર્ટ કરવા પડ્યા હતા. આર્થિક રાજધાનીમાં ભારે વરસાદને કારણે ચાર લોકોના મૃત્યુ થયા હતા. પુણેમાં ૨૪ કલાકમાં ૧૩૩ મિમી. વરસાદને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ રદ કરવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં વરસાદ માટેનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. જ્યારે પાલઘરના કેટલાક વિસ્તારો માટે ‘રેડ એલર્ટ’ જારી કરાયું છે.
મુંબઇમાં ભારે વરસાદને કારણે બીએમસીએ ગુરુવારે તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી હતી. મુંબઇ પોલીસ શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને શક્ય એટલું ઘરની અંદર રહેવા જણાવ્યું હતું. પુણેમાં અત્યાર સુધીનો ત્રીજો સૌથી વધુ વરસાદ ઝીંકાયો હતો.
શહેરમાં ૨૪ કલાકમાં ૧૩૩ મિમી. વરસાદ ખાબક્યો હતો. થાણેના મુંબ્રા બાયપાસ પર બુધવારે રાતે ૯.૩૦ કલાકે ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડી હતી. તેને લીધે ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. મુંબઇ એરપોર્ટ પર આવતી લગભગ ૧૪ ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરવી પડી હતી.
ભારે પવન અને વરસાદને કારણે તેમને એરપોર્ટ પર લેન્ડ થવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સતત વરસાદને કારણે ઘણી ટ્રેન સેવા પણ અટકાવવી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવાર સુધી છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે.
દરમિયાન હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને પગલે વાદળ ફાટતા એક વ્યક્તિનું મોત થયું હતું. બુધવારે સાંજથી થઇ રહેલા વરસાદમાં રાજ્યના ઘણા જિલ્લામાં ૫૦ માર્ગ બંધ હોવાથી નેશનલ હાઇવે એનએચ-૭૦૭ સહિત બંધ રસ્તાની સંખ્યા ૭૧ થઈ છે.SS1MS