નકલી સોના પર લોન આપનાર, લોન લેનાર સામે ઠગાઇની ફરિયાદ

અમદાવાદ, નકલી સોના પર લોન આપનાર સુપરવાઈઝર, લોન લેનાર સામે ઠગાઇની ફરિયાદ ઇસનપુર પોલીસ મથકમાં નોંધાઇ છે. નોંધનીય છે કે, નકલી સોના પર લોન લીધા બાદ હપ્તા ભરવાના પણ બંધ કરી દીધા હતા.
આ અંગે કંપનીએ યુવકને જાણ કરતા તેણે સોનુ ઓક્શન કરવા કહી દીધું હતું. શહેરના નરોડા વિસ્તારમાં ૨૮ વર્ષિય રાહુલ બામનિયા પરિવાર સાથે રહે છે અને ઘોડાસર ખાતે આવેલા આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ લિ. કંપનીમાં બ્રાન્ચ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.
રાહુલની અંડરમાં ૧૦ બ્રાન્ચ આવે છે જેનું સુપરવિઝન તે કરે છે. રાહુલની જગ્યાએ પહેલાં અજીતસિંહ ઠાકોર (રહે. ઉત્તરપ્રદેશ) કામ કરતો હતો. ૧૮ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ધીરેન્દ્ર ઓમપ્રકાશ સોની રાહુલની ઓફિસે આવ્યો હતો અને સાથે ૧૧૨.૧૨૮ ગ્રામ સોનાના નેકલેસ લઇ આવ્યો હતો.
ધીરેન્દ્રએ અજીતસિંહને લોન લેવા કહ્યું હતું. તે નેકલેસ ચેક કર્યા વગર જ અજીતસિંહે ગોઠવણ કરી રૂ. ૨.૨૫ લાખની લોન મંજૂર કરી દીધી હતી. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ બ્રાન્ચમાં વિજિલન્સની ટીમના અધિકારીઓ આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
જેમાં ધીરેન્દ્ર સોની લોન લેવા જે સોનું આપ્યું હતું તે સોનું ખોટું છે અને અંદર સળિયા જેવી જ વસ્તુ હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે ધીરેન્દ્રને જાણ કરતા તેણે જણાવ્યું હતું કે, મારા સોનાનું ઓક્શન કરી નાંખો. હું ગોલ્ડ બદલી આપીશ નહીં. ઉપરાંત તેણે ગોલ્ડ લોનના હપ્તા ભરવાના પણ બંધ કરી દીધા હતા. જેથી આ મામલે રાહુલે ધીરેન્દ્ર સોની અને અજિતસિંહ ઠાકોર સામે ઠગાઇ સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1MS