કાગડાપીઠના વેપારી સાથે સ્ક્રેપનો ધંધો કરવાના બહાને રૂ.૧ર.૬૦ લાખની ઠગાઈ
આફ્રિકાના વેપારીએ એડવાન્સ પેમેન્ટ લઈને સ્ક્રેપનો માલ આપ્યો નહીં
અમદાવાદ, કાગડાપીઠમાં કપડાની દુકાનમાં કામ કરતાં શખ્સને સ્ક્રેપનો ધંધો કરવાની ઈચ્છા થતાં તેની દુકાનમાં આવતા વેપારીને આ બાબતે જાણ કરી હતી. વેપારીએ શખ્સને આફ્રિકામાં રહેતા તેમના વેપારી મિત્ર સાથે વાતચીત કરાવી ધંધો શરૂ કરાવી આપ્યો હતો.
શખ્સે આફ્રિકાથી એમએસના સ્ક્રેપના બે કન્ટેનર મંગાવ્યા હતા જેના એડવાન્સ પેટે રૂપિયા ૧ર.૬૦ લાખ ચૂકયા હતા પરંતુ આફ્રિકાના વેપારીએ સ્ક્રેપનો માલ આપ્યો નહીં તથા એડવાન્સ પેટે ચૂકવેલા રૂપિયા પણ પાછા ન આપીને છેતરપિંડી આચરતા આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.
શાહીબાગ ઘોડાકેમ્પ પાસે રહેતા અને કાગડાપીઠમાં કપડાની દુકાનમાં મેનેજર તરીકે નોકરી કરતાં નિતેશ ભણશાલી (ઉ.વ.૪૦)ને તેમની દુકાન પરથી કાયમ કપડાનો માલ ખરીદવા આવતા જય કિશન લવાણી સાથે મિત્રતા થઈ ગઈ હતી. નિતેશને સ્ક્રેપનો ધંધો કરવાની ઈચ્છા હોવાથી તેમણે જયકિશનને પૂછયું હતું કે, સ્ક્રેપના ધંધા માટે કોઈ સારો વેપારી ધ્યાનમાં હોય તો વાત કરાવજો ધંધો કરવો છે.
એક દિવસ જય કિશનભાઈએ તેમના મિત્ર જે મૂળ આણંદના રહેવાસી છે પરંતુ હાલ આફ્રિકામાં સ્ક્રેપનો વેપાર કરે છે તેવી વાત કરીને રાજેશકુમાર કાનાણી નામના શખ્સ સાથે ઓળખાણ કરાવી અને ફોન ઉપર બન્નેની વાતચીત કરાવી આપી હતી. ત્યારબાદ નિતેશભાઈએ રાજેશભાઈ પાસેથી બે કન્ટેન્ટર ભરીને એમએસ સ્ક્રેપ આફ્રિકાથી મંગાવ્યો જેના એડવાન્સ પેટે ૧ર.૬૦ લાખ રાજેશના કહેવાથી જૂનાગઢના દીપકકુમાર વૈસાની નામના શખ્સના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
બાદમાં રાજેશકુમારે બે મહિના પછી તમારો સ્ક્રેપનો માલ મુન્દ્રા પોર્ટ પર આવી જશે ત્યાંથી તમારે લેવાનો રહેશે તેવી વાતચીત થયેલી હતી પરંતુ બે મહિના વીતી ગયા ત્યારબાદ પણ માલ ન આવતા નીતેશે રાજેશને માલ અંગે પૂછતાં ગલ્લાતલ્લાં કરવાના શરૂ કરી દીધા હતા.
ત્યારબાદ બન્ને વેપારીની ઓળખાણ કરાવનાર જય કિશનને આ મામલે વાત કરવા તેમણે પણ કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો જેથી આખરે આ મામલે નિતેશે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજેશ કાનાણી (રહે.આણંદ), જયકિશન લાલવાણી (રહે.મણિનગર) તથા દીપક (રહે.જૂનાગઢ) વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.