પાટણમાં મુસ્કાન ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ નામની સ્કીમ ખોલી છેતરપિંડી કરનારો ઠગ ઝડપાયો
૬ વર્ષમાં ડબલ, ૧૦ વર્ષમાં ચાર ગણાની લાલચ આપી કરોડો ઉઘરાવનાર પકડાયો
અમદાવાદ, પાટણમાં વર્ષ ર૦૧૬માં મુસ્કાન ફિકસ ડિપોઝિટ અને રિકરિંગ સ્કીમ ખોલવામાં આવી હતી. છ વર્ષમાં ડબલ અને ૧૦ વર્ષમાં ચાર ગણા કરવાની લાલચ આપી લોકો પાસેથી કરોડથી વધુનું ઉઘરાણું કરાયું હતું આ મામલે પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ અમદાવાદ સ્પે. જીપીઆઈડી કોર્ટમાં આરોપીને રજૂ કરાયો હતો જયાં કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે.
ધી મુસ્કાન ક્રેડિટ કો.ઓ. સોસાયટી લી. ખોલી તેમાં ફિકસ અને રિકરિંગ સ્કીમના બહાને ૧.૩પ કરોડ રૂપિયા ઉઘરાવી લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ કેસમાં પોલીસે ફરાર રવિકુમાર પ્રભુરામ જાેષીને ઝડપી લીધો હતો. આરોપીને સ્પે. (અમદાવાદ ગ્રામ્ય) કોર્ટમાં રજૂ કરાયો હતો. જયાં સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી ખાસા સમયથી ફરાર હતો તો ખરેખર કેટલું કૌભાંડ આચર્યું તે માહિતી મેળવવાની છે,
આરોપીને ધી મુસ્કાન ક્રેડિટ સોસાયટીની ઓફિસે લઈ જવાની છે. આરોપીએ ઉઘરાવેલ નાણાં ક્યાં છે, કૌભાંડના પૈસાથી સ્થાવર મિલકત ખરીદી છે કે નહીં, આરોપીઓએ જુદી જુદી બેંકના એકાઉન્ટ ખોલાવ્યા હતા તેમાં તેમના સગાના નામના પણ એકાઉન્ટ તે મામલે તપાસ કરવાની છે, તપાસ માટે આરોપીઓના આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ સહિતના દસ્તાવેજ કબજે કરવાના છે.
આરોપીઓએ ભેગા મળી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઠગી કરોડો રૂપિયા ભેગા કરી પલાયન થઈ ગયા હતા તો ઝડપાયેલ આરોપીને કોને આશ્રય આપ્યો હતો સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીના રિમાન્ડની જરૂર છે જાેકે, આરોપીઓ તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, તપાસમાં સહકાર આપ્યો છે પોલીસ જે મુદ્દે તપાસ કરવા રિમાન્ડ માગી રહી છે તેમાં આરોપીની હાજરીની કોઈ જ જરૂર નથી તેથી કોર્ટે રિમાન્ડ ન આપવા જાેઈએ, આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે.