Western Times News

Gujarati News

તા. ૧ થી ૩૦ ઓગષ્ટ દરમિયાન નિ:શુલ્ક હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવક-યુવતીઓ માટે  સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા-માઉન્ટ આબુ ખાતે ટૂંક સમયમાં જ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે: આગામી તા. ૩૦ જૂન સુધી અરજી કરી શકાશે

ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર હેઠળની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧ થી ૩૦ ઓગષ્ટ, ૨૦૨૩ દરમિયાન નિ:શુલ્ક હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાનમાં ભાગ લેવા ઈચ્છુક તાલિમાર્થીઓની પસંદગી ટૂંક સમયમાં કરવામાં આવશે, જેમાં ૧૮ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ અરજી કરી શકશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કમિશનરશ્રીની યાદીમાં જણાવાયુ છે.

વધુમાં જણાવ્યાનુસાર, હિમાલય શિખર આરોહણમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ એક સાદા કાગળમાં અરજી કરવાની રહેશે. જેમાં પોતાનું પુરું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મતારીખ, ઈ-મેઈલ એડ્રેસ, શૈક્ષણિક લાયકાત (ધોરણ -૧૨ પાસનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ) વગેરે દર્શાવવાનું રહેશે.

આ ઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ, જન્મ અને રહેઠાણનો પુરાવો, કોવિડના બન્ને ડોઝ લીધાનું પ્રમાણપત્ર, ખડક ચઢાણનો કોચિંગ કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર, હિમાલય ભ્રમણ કાર્યક્રમમાં ભાગ લીધા

અંગેનું પ્રમાણપત્ર, બરફના બેઝિક, એડવાન્સ કોર્ષનુ પ્રમાણપત્ર જરૂરી હોવાથી સામેલ કરવાનું રહેશે. વધુમાં માઉન્ટ આબુ/જૂનાગઢ ખાતે વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન માનદ ઈન્સટ્રક્ટર તરીકે  સેવાઓ આપી હોય તો તેના પ્રમાણપત્રો પણ સાથે જોડવાના રહેશે.

ઉપરોક્ત સંપૂર્ણ વિગતો સાથેની અરજી આગામી તા. ૩૦મી જૂન, ૨૦૨૩ સુધીમાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, માઉન્ટ આબુ–૩૦૭૫૦૧ને નિયત સમયગાળામાં મોકલી આપવાની રહેશે, તેમજ શારીરિક કસોટી માટે ઉમેદવારને બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની પસંદગી લાયકાત, ગુણવત્તા અને શારીરિક કસોટીના આધારે કરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોને શિખર આરોહણ સમયે તેમના વતનથી માઉન્ટ આબુ  સુધી આવવા-જવાના પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારનો સંસ્થા દ્વારા સામેથી સંપર્ક કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.