રાજ્યના યુવક-યુવતીઓ માટે નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમનું આયોજન: વયમર્યાદા ૧૮ થી ૪૫ વર્ષની
૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ અરજી કરી શકશે-ઇચ્છુક ઉમેદવારે તા. ૧૪ ઓગષ્ટ, ૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા આગામી સપ્ટેમ્બર ૨૦૨૩માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન કરાશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓએ તા. ૧૪ ઓગષ્ટ, ૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર હિમાલય ભ્રમણ ટુકડીમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે જે સંસ્થાના ફેસબુક પેજ:- svim administration પરથી મેળવી શકાશે. અરજીમાં ઉમેદવાર પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત (ધોરણ-૧૨ પાસનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ) વગેરે દર્શાવવાનું રહેશે.
તદ્ઉપરાંત અરજીની સાથે શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ, ખડક ચઢાણનો કોચિંગ કોર્ષ પૂર્ણ કર્યાંનું પ્રમાણપત્ર સામેલ હોવું જરૂરી છે. માઉન્ટ આબુ/ જુનાગઢ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં માનદ્ ઈન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી હોય તો તેના પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે.
સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા.૧૪/૦૮/૨૦૨૩ સુધીમાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ–૩૦૭૫૦૧ને મોકલી આપવાની રહેશે. જ્યારે ઉમેદવારને શારીરીક કસોટી માટે બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવા-આવવાના પ્રવાસ અને ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે.
અન્ય વ્યક્તિગત સાધનસામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને સંસ્થા દ્વારા અગાઉથી ટેલીફોનીક જાણ કરવામાં આવશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રીની યાદીમાં જણાવાયુ છે.