Western Times News

Gujarati News

પંજાબને આઝાદ કરો, નહીંતર હમાસ જેવા હુમલા કરીશું

નવી દિલ્હી, હમાસે ૭ ઓક્ટોબરના રોજ કરેલા ભયાનક હુમલા બાદ ઈઝરાયેલે હમાસ અને પેલેસ્ટાઈન વિરુદ્ધ રીતસરનું યુદ્ધ શરૂ કરી દીધું છે. જેના ભયાનક દ્રશ્યો દુનિયાને ડરાવી રહ્યા છે. તેવામાં ખાલિસ્તાની આંતકવાદી અને શિખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નુએ ભારતને ધમકી આપી છે.

ભારત સરકાર અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ધમકી આપતા પન્નુએ કહ્યું છે કે જેવી રીતે હમાસે ઈઝરાયેલ પર હુમલા કર્યા છે તેવી જ રીતે તે પણ ભારત પર હુમલા કરશે. તેણે ભારત સરકાર અને મુખ્યમંત્રી ભગવંત માનને હમાસના હુમલામાંથી બોધપાઠ લેવાનું કહ્યું છે. ખાલિસ્તાની આતંકીએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તેણે આ ધમકી આપી છે.

૪૦ સેકન્ડના આ વિડીયોમાં પન્નુ ભારત વિરદ્ધ ઝેર ઓકતો જાેવા મળી રહ્યો છે. તેણે કહ્યું હતું કે અમે પંજાબને ભારતનો ભાગ માનતા નથી અને તેને આઝાદ કરાવીને જ રહીશું. ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું છે કે ઈઝરાયેલ પર આજે પેલેસ્ટાઈનનો હુમલો થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલામાંથી બોધપાઠ લેવાની જરૂર છે. તેણે કહ્યું હતું કે, ઈઝરાયેલની જેમ ભારતે પણ પંજાબ પર નિયંત્રણ મેળવ્યું છે.

જાે ભારત હિંસા કરશે તો અમે પણ હિંસા શરૂ કરીશું. પન્નુ આ વિડીયોમાં કહે છે કે જાે બારતે પંજાબ પર પોતાનું અતિક્રમણ જારી રાખ્યું તો ચોક્કસથી તેને પ્રતિક્રિયા આપવામાં આવશે. તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર જવાબદાર હશે. તેણે કહ્યું હતું કે શિખ ફોર જસ્ટિસ વોટિંગમાં વિશ્વાસ રાખે છે. તમે પણ વોટ પર વિશ્વાસ રાખો. પંજાબના અલગ થવાનો દિવસ નજીક આવી ગયો છે.

તમે વોટિંગ ઈચ્છો છો કે પછી ગોળી? ખાલિસ્તાની આતંકી પન્નુએ કહ્યું હતું કે જાે પંજાબમાં રહેનારા લોકો પેલેસ્ટાઈનની જેમ હિંસા શરૂ કરી દેશે તો પરિસ્થિતિ સ્ફોટક બની જશે. ભારત પંજાબને આઝાદ કરી દે. જાે આવું નહીં કરવામાં આવે તો તેને પણ ઈઝરાયેલની જેમ ભયાનક દ્રશ્યો જાેવા પડશે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પન્નુએ ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની ધમકી આપી હતી.

તેને લઈને એક ઓડિયો ક્લિપ સામે આવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ક્રિકેટ વર્લ્ડ કપ નહીં પરંતુ આતંકવાદ વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થશે. મેચના દિવસે સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડો જાેવા મળશે. હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલે લેવામાં આવશે. હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે.

વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કરીને આ જાણકારી આપી છે અને કહ્યું છે કે નેતન્યાહુએ વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત દરેક સ્વરૂપે આતંકવાદની નિંદા કરે છે. ભારત આ સમયે ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઊભું છે.

પીએમ મોદીએ પોસ્ટ કરી હતી કે, “હું વડાપ્રધાન નેતન્યાહુનો તેમના ફોન કોલ અને વર્તમાન પરિસ્થિતિ અંગે અપડેટ્‌સ આપવા બદલ આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂત રીતે ઉભા છે. ભારત તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની નિંદા કરે છે.

અગાઉ ઈઝરાયેલના ભૂતપૂર્વ વડાપ્રધાન અને વર્તમાન વિરોધ પક્ષના નેતા યાયર લેપિડે સોમવારે તેમના દેશ પ્રત્યે સમર્થન દર્શાવવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. ગાઝા પર શાસન કરતા પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસે શનિવારે સવારે ઈઝરાયેલના દક્ષિણ ભાગો પર અચાનક અને અભૂતપૂર્વ હુમલો કર્યો. આ પછી ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટી પર અનેક હવાઈ હુમલા કરીને જવાબી કાર્યવાહી કરી હતી. ઈઝરાયેલે હમાસને નેસ્તોનાબૂદ કરવા માટે કમર કસી લીધી હોય તેમ લાગી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.