સ્વાતંત્ર્ય સેનાની નંદલાલ શાહે 1942 ના ‘હિંદ છોડો’ આંદોલનમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી
૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી
અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની સહિત ૮૨ કર્મયોગીઓનું સન્માન કરાયું
૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી SGVP ગુરુકુળ, છારોડી, ખાતે થઇ હતી. ધ્વજવંદન ઉપરાંત પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે સ્વાતંત્ર્ય સેનાની શ્રી નંદલાલ ત્રિકમલાલ શાહ તેમજ અમદાવાદ જિલ્લાના ૮૨ કર્મયોગીઓનું જિલ્લા પ્રભારી મંત્રી તથા આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય સેનાની શ્રી નંદલાલ શાહે 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. હિંદ છોડો આંદોલન શરૂ થયું ત્યારે તેઓ સી.એન. વિદ્યાલયમાં મેટ્રિકમાં અભ્યાસ કરી રહ્યા હતા. સત્યાગ્રહો, હડતાળો, સરઘસો, સભાઓ, લાઠીચાર્જ, ધરપકડોના બનાવો વચ્ચે તેઓ પણ આંદોલનમાં કૂદી પડવા તલપાપડ હતા.
પોતાના સહપાઠી વાડીલાલ ડગલીની સાથે તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માંડ્યો. મહાત્મા ગાંધી દ્વારા લિખિત અને બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધિત ‘હિંદ છોડો’ પુસ્તિકા સહિતનું પ્રતિબંધિત સાહિત્ય તેમણે અમદાવાદથી સુરેન્દ્રનગર પહોંચાડ્યું હતું.
હિંદ છોડો આંદોલન પરાકાષ્ઠાએ પહોંચ્યું ત્યારે તેમને વાડીભાઈ પાસેથી બંગાળની લશ્કરી ફેક્ટરીમાંથી ચોરાઈને આવેલા ડાયનેમાઇટના ફ્યુઝ અને બીજા સ્ફોટક પદાર્થો પ્રાપ્ત થયા.
ભોગીલાલ મૂળજી શાહ, કાનજી ગિરધર સાથે મળીને તેમણે બોમ્બ તૈયાર કર્યા. એંગ્લો ઇન્ડિયન સરઘસના તંબુ પર તથા સુરેન્દ્રનગરની જેલ પર કાનજીભાઈ અને ભોગીલાલભાઈએ બૉમ્બ ફેંક્યા. મિલિટરીના કપડાં સીવતા દરજીખાના પર પણ કાનજીભાઈએ બોમ્બ ફેંક્યો.
હાહાકાર મચી ગયો હતો . નંદલાલભાઈએ પણ બોમ્બ તૈયાર કર્યો અને 5મી ફેબ્રુઆરી, 1943ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર જતી ટ્રેનમાંથી ભોગાવાના રેલવે પુલ પર ફેંક્યો. બોમ્બ ફેંકીને પ્રવાસીઓ સાથે ભળી ગયા, પરંતુ બે દિવસમાં ત્રણેય મિત્રો પકડાઈ ગયા અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવ્યા હતા.
એ વખતે નંદલાલભાઈની ઉંમર માંડ 17 વર્ષની હતી. નાની ઉંમરના મુદ્દે કેસ બાળ અદાલતમાં ચાલવો જોઈએ, એ દલીલને કારણે કેસ લંબાયેલો. જોકે, પછી શંકાનો લાભ મળતાં 14 મહિનાની જેલમાંથી છૂટકારો થયો હતો.
આઝાદીના અમૃત મહોત્સવમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન મુજબ નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને યાદ કરવા અને તેમના સન્માન કરવાનો ખાસ ઉપક્રમ યોજવામાં આવ્યો હતો.
અમદાવાદમાં સ્વાતંત્ર્ય સેનાની નગરમાં રહેતા નંદલાલભાઈને આરોગ્યમંત્રી શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમના ચહેરા પર અનેરું ગૌરવ જોવા મળતું હતું.
સ્વાતંત્ર્ય સૈનિક ઉપરાંત જિલ્લાના વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 82 કર્મયોગીઓને પણ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીના 21, પોલીસ અધિક્ષકની શ્રીની કચેરી,
અમદાવાદ (ગ્રામ્ય)ના 36, જિલ્લા નિરીક્ષક જમીન દફતરના 10, 108 ઇમરજન્સી સર્વિસના 6, જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના 5, આરોગ્ય વિભાગ (અમ્યુકો), આઈસીડીએસ શાખા, મામલતદાર કચેરી, સાણંદ અને મામલતદાર કચેરી ઘાટલોડિયાના 1-1 કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું.
સ્વાતંત્ર્ય પર્વ પર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કલેક્ટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી પરિમલભાઈ પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા શ્રી અમિત વસાવાની સહઉપસ્થિતિમાં કર્મયોગીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વાતંત્ર્ય પર્વ પર સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થનારા વિવિધ શાળાનાં બાળકોને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.