Western Times News

Gujarati News

“મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય.”

મિત્રનો જે કદી દ્રોહ ન કરે એ જ સાચો મિત્ર કહેવાય. મિત્રનું કામ ઔષધ સમાન હોય છે-આપણાં જીવનમાં સાચા મિત્રનું સ્થાન અને મહત્ત્વ

ભર્તૂહરિએ “નીતિશતક” માં મિત્રના લક્ષણોની બહુ સરસ વાત કરી છે “જે પાપ કરવાથી રોકે છે, હિતકાર્યોમાં જોડે છે. ગુપ્ત વાતને ગુપ્ત રાખે છે. ગુણોને પ્રગટ કરે છે, આપત્તિમાં છોડી નથી દેતા. સમય આવ્યે (જરૂરી છે એ) આપે છે- સંતપુરુષ એને સÂન્મત્રના લક્ષણ કહે છે. “મિત્ર, સખા, ભાઈબંધ, ભેરુ, યાર, દોસ્ત, ફ્રેન્ડ, જીગરી, ગોઠિયો જેવા અનેક શબ્દો મિત્ર માટે વપરાતા આવ્યા છે.

આ શબ્દો કાને પડતા જ આપણાં મનમાં અંગત મિત્રોની છબી કોતરાવા લાગે છે. બચપણથી લઈને મોટા થઈએ ત્યાં સુધી. અરે ! જીવનના અંતિમ પડાવ સુધી મિત્ર નામની સંજીવની આપણને જીવાડતી આવી હોય છે. બધાં જ સંબંધો જયાં પૂરા થાય છે, ત્યાંથી જે સંબંધ શરૂ થાય છે એ સંબંધ છે મિત્રતાનો સંબંધ, સાચો મીત્ર આપણા જીવનમાં ખૂટતા રંગોની પૂર્તિ કરે છે. સાચો મિત્ર આપણાં જીવનનું ચિત્ર બદલી નાખવા સમર્થ હોય છે. એ આપણી ખામીઓ અને ખૂબીઓ સાથે આપણને સ્વીકારનાર મજબુત આધારસ્તંભ સમાન હોય છે. એ હોય છે એટલે આપણે વિષમ પરિસ્થિતિમાં પણ ટકી જતા હોઈએ છીએ.

આ જગતની અંદર મૈત્રીના બેમિસાલ કહી શકાય એવા અનેક દાખલાઓ મોજૂદ છે. આ બધા જ દાખલાઓમાં સર્વશ્રેષ્ઠ મિત્ર તરીકે કોઈને યાદ કરવાનું કહેવામાં આવે, તો એકથી દસ ક્રમ સુધી ભગવાન કૃષ્ણનું જ નામ મૂકવું પડે. મૈત્રીનું ગુરુશિખર એટલે કૃષ્ણ સુદામા સાથેની એમની દોસ્તી અજોડ, અર્જુન સાથેની એમની દોસ્તી પણ અજોડ, દ્રૌપદી સાથેની એમની મૈત્રીય લાજવાબ, ટૂંકમાં કૃષ્ણ એટલે મહાન મિત્ર,

દાનેશ્વરી કર્ણ દ્વારા પણ દુર્યોધન માટે નિભાવવામાં આવેલી મિત્રતા અજોડ જ ગણી શકાય. આપણી દરેકની પાસે પણએકાદ મિત્ર તો એવો હોય જ છે કે, જે આપણાં માટે સર્વસ્વ હોય છે. આપણી દરેક સ્થિતિને એ સંભાળી લે છે. આપણને એ દરેક પરિસ્થિતિમાં સાચવી લે છે. વળી, આ જગતની અંદર મૈત્રી એકમાત્ર એવો સંબંધ છે, જેને આપણે જાતે પસંદ કરી શકીએ છીએ. બાકીના મોટાભાગના સંબંધો આપણને વારસામાં મળતા હોય છે.

બીજી મહત્વની વાત એ છે કે, બે વ્યક્તિ જ આપસમાં મિત્ર હોય છેઃ માત્રએવું નથી હોતું. ચોકકસ વ્યક્તિઓનો સમૂહ પણ આપસમાં મિત્ર હોય શકે છે. બે પુરુષ કે બે સ્ત્રીઓ વચ્ચે જ મિત્રતા હોય છે એવું પણ નથી હોતું સ્ત્રી અને પુરુષ પણ વ્યક્તિગત રીતે એકબીજા માટે સારા અને ઉત્તમ મિત્ર હોઈ શકે છે. બે સમૂહ કે સમાજ વચ્ચે પણ આપસમાં મિત્રતા હોય છે.

બે રાષ્ટ્રો અને એમની પ્રજા વચ્ચે પણ મિત્રતાના સંબંધો હોય શકે છે. મિત્રતા ઉંમર, વાન, પ્રાંત, પ્રદેશ, ધર્મ, સમાજ કે સંસ્કૃતિ અથવા દેશને વચ્ચે લાવ્યા વગર પણ પાંગરતી હોય છે. વળી, મિત્રતા સાથે રહેવાના સંદર્ભે, સાથે કામ કે નોકરી અથવા વ્યવસાય કરવાના સંદર્ભે કે, એક જ સમાન સંપ્રદાયમાં આસ્થા ધરાવતા હોવાના સંદર્ભે પણ પાંગરતી હોય છે.

પણ એ બધામાં બાળપણમાં પાંગરેલી મૈત્રી અનુપમ અને અજોડ હોય છે. બાળપણની મૈત્રી હંમેશા લાંબુ આયુષ્ય ભોગવનારી સાબિત થતી હોય છે. એ મૈત્રી લિજજતદાર અને મજાની હોય છે. લંગોટિયા ભાઈબંધની સાથે વિતાવેલી ક્ષણો દરેકના માટે પોતાના ગોલ્ડન પિરિયડ સમી હોય છે. આવી અનોખી, અનુપમ મૈત્રીની શરૂઆત આપણી સંસ્કૃતિની શરૂઆત જેટલી જ પુરાણી છે એમ અવશ્ય કહી શકાય. યુગોથી મિત્રો અને મિત્રતા અડીખમ ટકી રહ્યાં છે.

ઉમદા મૈત્રીની અનેક વાતો સદીઓથી થતી આવી છે. તેમ છતાં નિયમિતરૂપે આપણે ત્યાં મૈત્રીની ઉજવણી થતી નહોતી. પણ થોડાં વર્ષો પહેલાં દુનિયામાં એની ઉજવણી શરૂ થઈ છે. દુનિયાભરમાં “આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ” ઉજવી, મિત્ર અને મૈત્રીનું સન્માન કરવાની શરૂઆત સને ૧૯પ૮માં થઈ હતી. અમુક લોકોનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી કંપની “હોલમાર્ક”ના સ્થાપકે સૌપ્રથમ વાર “ફ્રેન્ડશિપ ડે”ની ઉજવણી સને ૧૯૩૦માં શરૂ કરી હતી. આ ઉજવણી પાછળનું મુખ્ય કારણ હતું એમની કંપનીના કાર્ડનું વેચાણ વધારવાનું.

સને ર૦૧૧માં “યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી” દ્વારા જાતિ, રંગ, લિંગ, ધર્મ વગેરેને ધ્યાનમાં લીધા વિન, વિવિધ દેશોના લોકો વચ્ચે મિત્રતાનું મજબૂત બંધન બનાવવાના ઉદેશ્ય સાથે મિત્રતા દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં વિશ્વમાં બે અલગ અલગ દિવસે મિત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે.

ભારત સહિત બાંગ્લાદેશ, મલેશિયા, સંયુકત આરબ અમીરાત અને યુનાઈટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકા જેવા દેશો દર વર્ષે ઓગસ્ટના પ્રથમ રવિવારે “ફ્રેન્ડશિપ ડે”ની ઉજવણી કરે છે. જયારે અન્ય ઘણા દેશોમાં ૩૦ જુલાઈને “આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

અગાઉ અમેરિકામાં સને ૧૯૩પમાં સૌ પ્રથમ વખત “ફ્રેન્ડશિપ ડે” મનાવવામાં આવ્યો હતો. તે સમયે એવું બનેલું કે, ત્યાં એ વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે સરકારે એક વ્યક્તિને કોઈ કારણવશ મારી નાખ્યો હતો. જેના આઘાતમાં મરનાર વ્યક્તિના એક મિત્રએ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડેલા એટલે ખુદ અમેરિકન સરકારે જ આ દિવસને “ફ્રેન્ડશિપ ડે” જાહેર કરેલ. એટલે ત્યારથી દુનિયાએ ઓગસ્ટના પહેલા રવિવારને “ફ્રેન્ડશિપ ડે” તરીકે ઉજવવાનું શરૂ કરેલ.

સમયની સાથે આજે “ફ્રેન્ડશિપ ડે”ના રંગ-રૂપ અને રીત-રિવાજ બદલાવા લાગ્યા છે. ઘણાં લોકોને એ પણ ખબર નહી હોય કે, મિત્રતા દિવસ શા માટે મનાવવામાં આવે છે. આજકાલ મિત્રોમાં, આપસમાં “ફ્રેન્ડશિપ ડે”ના દિવસે એકબીજાને “બેન્ડ” બાંધીને કે મેસેજ કરીને શુભેચ્છાઓ પાઠવવાનો નવો ટ્રેન્ડ જન્મ્યો છે. પીળું ગુલાબ મૈત્રીનું પ્રતીક માનવામાં આવે છે એટલે યુવાપેઢીના મિત્રો પોતાના મિત્રને પીળું ગુલાબ મોકલાવી મૈત્રીનો સંદેશ પાઠવે છે.

આ રીતે મૈત્રીની અભીવ્યક્તિ કરવી સારી બાબત છે. પણ શું મિત્રતાને માત્ર આ રીતે જ નિભાવવાની હોય છે !!?? આપણે સાર્થક મૈત્રી કોને ગણીશું !!?? મિત્રતામાં “બેન્ડ” કે “મેસેજ” કરતાં પણ વધુ મહત્વનું છે, આપણી વિશ્વાસનું વાતાવરણ. અકબંધ ભરોસો.

મિત્રને જરૂરિયાતના સમયે સમજવા સાથે મદદ કરવાની તત્પરતા દાખવવી એ જ મજબૂત મૈત્રીનું લક્ષણ છે. મૈત્રીમાં સમય આવ્યે મિત્રની પડખે ઉભા રહેવાનું હોય છે. એટલે જ એક સુભાષિત સમી પંક્તિમાં કવિએ કીધું છે કે,
“મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય.”

મિત્ર કેવો હોવો જોઈએ ! એની ખૂબ સરસ વાત આ નાનકડી પંક્તિઓ આપણને સમજાવી જાય છે. મિત્રનો જે કદી દ્રોહ ન કરે એ જ સાચો મિત્ર કહેવાય. મિત્રનું કામ ઔષધ સમાન હોય છે. આપણી બની માનસિક પીડાઓનું શમન મિત્ર જ કરી શકે છે.

બધા દરવાજા બંધ થયા પછી જે બારી ખૂલતી હોય છે એ મિત્ર. આપણને જે આપણાં કરતાં પણ વધુ સારી રીતે સમજી શકે છે એ જ સાચો મિત્ર. આપણે પ્રતિવર્ષ ભલે મિત્રતા દિવસને શાનથી ઉજવીએ, પણ વિકટ સમયમાં મિત્ર માટે થાય એ તમામ કરી છૂટીએ તો જ મૈત્રી સાર્થક બની રહી કહેવાય. ચાલો, આપણે બધાં તેમ કરીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.