Western Times News

Gujarati News

મૈત્રી સગપણથી સવાયો સંબંધ

સુખમાં પાછળ અને દુઃખમાં આગળ ઉભો રહે તે ખરો મિત્ર એવું લોકોકિત કહે છે. માણસની જગતવ્યાપ્ત માનસિકતા સોશિયાલીસ્ટ તેવી છાપ છે.તેને કોઈ જંગલમાં એકલો અથવા કોઈ રૂમમાં પૂરી દેવામાં આવે તો તે લાંબા સમય સુધી રહી શકતો નથી કારણ સહવાસ ઝંખના.સમવયસ્ક કે સમોવડીબુદ્ધિ, સમજ ધરાવનારની અપેક્ષા અને હૂંફની તરસ સતત તેને લાગ્યાં કરે તેનું નામ મૈત્રી. મૈત્રીને લૈગિંક રીતે સમાજ ભેદભાવ કરે છે, જુદાં પાડે છે.

સમલૈંગિક મૈત્રીને સ્વીકારવાની ટેવ ભારતીય સભ્યતાને કાંધ પડી ગઈ છે. કારણ કે આપણે લિંગભેદ મૈત્રીને જાતિય સંબંધોના ડંગોરામાં જ ગણીએ છીએ.તે તરફથી સુગ સતત વિકસતી પણ રહી છે. ખેર..

મૈત્રી એક એવા સંબંધનું સ્વરૂપ છે,જ્યાં તમે ખુલ્લાં અને ખાલી થઈ શકો. હૃદયની અંકુરિત સુવાસનો અહેસાસ તમે જેને કરાવી શકો અથવા આપાતકાલીન અણછાજતી આફતના વળ તમે જેની પાસે ખોલી શકો,ઉધાડી શકો તે મિત્ર. અહીં સ્વાર્થની બાદબાકી અને ગેરહાજરી છે. પ્રતિપક્ષે છે, ત્યાગ ,સમર્પણ અને ફનાગીરીનું ઝનુન.મૈત્રી, સ્નેહને પાંગરવાનો પ્રસરવાનો પુરતો અવકાશ આપે છે.લાગણીના વાવેતર કરનારાં તંતુની તુલનાં બાકીનાં બધાં સંબંધોથી પર હોય છે.

તમારાં જીવનમાં એક સરનામું એવું હોય કે જ્યાં તમે આનંદની હિલ્લોળી ગુલછડીઓ ઉડાવતાં હો તથા યાતનાઓનો એક છેડો તેના સુધી જતા બળીને ખાખ થઈ જતો હોય. પોતાની વિતકને પનપવાની જ્યાં સ્પેસ મળતી હોય. એવાં ઘણાં કિસ્સાઓ કે ઘટનાઓ જાણી કે અનુભવી છે કે જ્યાં મિત્રની સાંત્વનાનો સધિયારો તેને અંતિમ નિર્ણય લેવાં પાછું વળીને જીવતદાન આપી ગયો હોય. જીવન આંટીઘૂંટીઓ અને ઉકેલવાની ક્ષમતા ભલે તે મિત્રમાં ન હોય અથવા તે તેના માટે યોગ્ય ન હોય

પરંતુ ત્યાંથી કોઈ આશાનું કિરણ જરૂર છુપાયેલું જોવા મળે. ભૌતિક સાધનો કે આર્થિક ક્ષમતાઓથી મૈત્રી ઉપર ઊઠે છે. તેમાં સામ્યતાનાં માપદંડો ઘણીવાર માત્ર બૌદ્ધિકતા,સમજ, સ્થળ વગેરેની સાથે જોડાયેલાં હોય છે. કૃષ્ણ ચરિત્રમાં સુદામા- કૃષ્ણની દોસ્તી માત્ર સમજ અને સાનિધ્યની સંગાથી હતી. ત્યાં તેની તુલનાત્મક સામ્યતા આર્થિક કે ભૌતિક માપદંડોમાં જરાય ન હતી.

સાંપ્રત ટેકનોક્રેટ યુગમાં મૈત્રીના માપદંડો અને સ્વરૂપો બદલાયા છે.સોશિયલ મીડિયામાં સામ સામે મેસેજ ડ્રોપ કે ડિલીટ કરતાં લોકો મિત્રો નથી પરંતુ તે આભાસી મિત્રો છે. આભાસી મિત્ર એટલે કે મૈત્રીનો માત્ર આભાસ કરાવે તેવા, વાસ્તવમાં તે આપણાં સ્વજનના આત્યાંતિક મૃત્યુ માટે સેડ ઇમોજી મુકવાનો પણ સમય લેતો નથી. તે ટાઈમપાસી દોસ્ત છે.

જ્યા અપેક્ષાઓને છૂટી મૂકવાની ભૂલ કરી શકાય નહીં.આજે વાસ્તવમાં પણ એવાં મિત્રોનું આવાગમન થતું રહે છે કે જે પોતાનો સંબંધ બિઝનેસ પોલીસી કે ટ્રેડ ટ્રીક તરીકે જ તમને હેન્ડલ કરે છે. ટ્રેડ ડીલ પૂરી થતાં તે વાત ત્યાં જ દફનાવાય જાય છે. એટલું જ નહિ ઘણીવાર મૈત્રીસેતુને વિકૃત ચિતરનાર આવાં પાત્રોથી સતત ચેતતા, ચેતનવંતુ રહેવું પડે છે.

મૈત્રીનું સમયાંતરે થર્મોમીટર મૂકતાં રહેવું જોઈએ. જેથી સંબંધોને વિસ્તારવા કે સંકોચવાની સીમારેખા નક્કી કરી શકાય. દોસ્તોના પ્રકાર માત્ર સમલૈંગિક કે સગપણ અથવા સંબંધ બહારના જ હોય એવું પણ નથી.પત્ની પણ સારી ઉત્તમ મિત્ર બની શકે. હા,એવા દંપતિઓ પણ છે કે જેમણે પોતાની લગભગ તમામ બાબતોને એક બીજાને શેર કરી હોય.

વિશ્વાસની અભિન્ન કેડી તેઓને સતત જોડી રાખતી હોય.વિશ્વાસ એ મૈત્રીનો પાયાનો પથ્થર છે. ક્ષણિક આવેગમાંથી સ્ફૂટ થયેલો મૈત્રીભાવ લાંબાગાળાના પથિક જેવો અડગ નથી રહેતો. તેથી એવા પાત્રો સતત સંગાથની હુંફ બની શકે છે કે જે નાઇટ વોચમેન નહીં પરંતુ રેગ્યુલર ખેલાડી હોય. નગરજીવન સતત માર્ગ પર દોડતું દેખાય છે.ત્યાં સમયની તાનારીરીમાં સંબંધોને વિકસવાની તક જ નથી મળતી.

બે છેડાં ભેગાં કરવાં મોટાં મોટાં મહાનગરોના અનેક છેડાઓને ભેદવાં પડે છે તેથી મિત્રો કે મિત્રતા હાંસિયામાં મુકાઈ જાય છે. પત્નીને કે સાથીકર્મીને સંજોગવશ મૈત્રીનાં વર્તુળોમાં મુકીએ તો વાત જુદી, પરંતુ ત્યાં ભયસ્થાનોની ભરમાર બહુ મોટી છે. લાંબા સમય સુધી આ સાંધણને ટકાવી રાખવું એક પડકાર પણ છે. ગમા- અણગમા કે માન-સન્માનનીથી સર્જાતાં ટકરાવો સમજના ખાલીપાથી કે નમ્રતાના અભાવથી મૈત્રીને તારતાર કરી શકે છે. તે બધા પ્રશ્નાર્થ અને મોજાને સતત જીવી લેવાની એકમેકને તૈયારી જ ખરાં અર્થમાં મૈત્રી પામ્યાનો પુરાવો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.