10 નવેમ્બરથી મુખ્યમંત્રી અમદાવાદથી કરશે નવાં ભોજન કેન્દ્રોનું લોકાર્પણ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યભરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વધુ ૧૫૫ ભોજન કેન્દ્રોનો પ્રારંભ કરાવશે-શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં મળે છે ભોજન
૧૭ જિલ્લામાં ૧૫૫ નવા ભોજન કેન્દ્રો મારફત દરરોજ ૭૫ હજાર કરતાં વધારે બાંધકામ શ્રમિકોને લાભ મળવાનો અંદાજ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યભરમાં વધુ ૧૫૫ ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આગામી તા.૧૦ નવેમ્બરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વધુ ૧૫૫ ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત પણ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ કડિયાનાકા ખાતે શરૂ થનારા ભોજન્કેન્દ્રની પણ મુલાકાત લેશે. નવા શરૂ થનારાં કુલ ૧૫૫ ભોજન કેન્દ્રો પૈકી અમદાવાદમાં ૪૯ જેટલાં ભોજન કેન્દ્રોનો સમાવેશ થાય છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત રૂ. પાંચમાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદમાં ૪૯, સુરતમાં ૨૨, ગાંધીનગરમાં ૮, વડોદરામાં ૯, ભાવનગરમાં ૨, જામનગરમાં ૧૦, ભરૂચમાં ૩, મહેસાણા, રાજકોટમાં ૫-૫, ખેડા, આણંદ, વલસાડ સાબરકાંઠામાં ૪-૪, પાટણ, બનાસકાંઠામાં ૭-૭, નવસારી, મોરબીમાં ૬-૬ કડીયાનાકાઓ પર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થનાર છે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. ઉક્ત ૧૭ જિલ્લામાં ૧૫૫ કડિયાનાકા મારફત દરરોજ ૭૫ હજાર કરતાં વધુ શ્રમિકોને યોજનાનો લાભ મળવાનો અંદાજ છે.
રાજ્ય સરકારના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ આર્થિક સહાય યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક સહાય મળી રહે તે માટે ઈ-નિર્માણ કાર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જે હેઠળ હાલ ૬.૯૪ લાખ બાંધકામ શ્રમિકો નોંધાયેલા છે. જેઓ માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી કુલ-૧૭ યોજનાઓ કાર્યરત છે. જે પૈકીની યોજનામાં વર્ષ ૨૦૨૨-૨૩થી અત્યાર સુધીમાં બાંધકામ શ્રમિકોને સ્થળ ઉપર જ આરોગ્ય સવલત મળી રહે તે માટે ધન્વંતરિ આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે. જેનો અત્યાર સુધીમાં ૩૮.૫૨ લાખ લાભાર્થીઓએ લાભ લીધો છે.
આ ઉપરાંત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓ પણ કાર્યરત છે. જેમાં સંપૂર્ણ તબીબી તપાસ યોજના હેઠળ ૧૨,૦૦૨ લાભાર્થીઓની તપાસ કરવામાં આવેલ છે. જેના માટે રૂ.૧૫૫.૨૮ લાખનો ખર્ચ થયેલ છે. બાંધકામ શ્રમિકોના બાળકોના અભ્યાસ માટે કાર્યરત શિક્ષણ સહાય યોજના અંતર્ગત ૭૦,૨૦૫ લાભાર્થીઓ રૂ. ૬૧૫૩.૪૬ લાખની સહાય આપવામાં આવી છે. તેમજ પ્રસૂતિ સહાય યોજના હેઠળ ૯૩૩.૪૮ લાખના ખર્ચે ૫૮૬૪ લાભાર્થીઓને સહાય મળી છે. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત રૂ.૨૬૧.૬૫ લાખની સહાય ૧૫૨૫ લાભાર્થીઓને આપવામાં આવી છે.
બાંધકામ શ્રમિકોના ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ ૧૩૬ લાભાર્થીઓને રૂ.૨૧૭.૬૦ લાખની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત શ્રમિક પરિવહન યોજના અંતર્ગત ૩૪૪૩ લાભાર્થીઓને રૂ.૧૭૫.૧૮ લાખની સહાય ચૂકવાઈ છે. સ્થળાંતરિત થતા બાંધકામ શ્રમિકોના બાળકો માટે હોસ્ટેલ સહાય આપવામાં આવે છે, આ યોજના હેઠળ ૧૨૫૩ લાભાર્થીઓને રૂ.૮૯.૨૦ લાખની સહાય ચૂકવાઈ છે.
અકસ્માત મૃત્યુ સહાય યોજન હેઠળ ૧૬૪ શ્રમિકોના વારસદારોને રૂ.૪૯૨ લાખની સહાય ચૂકવાઇ છે. ગો ગ્રીન શ્રમિક યોજના હેઠળ ૨૩૨ લાભાર્થીઓને રૂ.૫૩.૪૯ લાખની સહાય ચૂકવાઇ છે. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના હેઠળ ૧૯૯૨ શ્રમિકોને ૮.૦૬ લાખના ખર્ચે વીમાકવચ પૂરું પાડવામાં આવેલ છે. આ તમામ ૧૭ યોજનાઓ અન્વયે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩થી અત્યાર સુધીમાં કુલ ૯૭,૦૯૧ લાભાર્થીઓને ૧૭,૨૪૪.૮૧ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલ શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ અપાય છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું થાય છે. કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને એક વ્યક્તિ દીઠ રૂ. ૫/- માં ટોકન આપવામાં આવે છે. ત્યાં શ્રમિકને એક સમયનું ભોજન વધુમાં વધુ ૬ વ્યક્તિ સુધી આપવામાં આવે છે. બાંધકામ શ્રમિકને એક ઈ-નિર્માણ કાર્ડ મારફત પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળવા પાત્ર છે.
જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમીકની હંગામી નોંધણી થાય છે અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યૂ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે.
હાલ રાજ્યના ૧૦ જિલ્લામાં કુલ ૧૧૮ કડિયાનાકા પરના ભોજન વિતરણ કેન્દ્રો શરૂ છે. છેલ્લા એક વર્ષમાં કુલ ૫૫ લાખ કરતાં વધારે ભોજન વિતરણ થયું છે. સરેરાશ દરરોજ ૨૭ હજાર કરતાં વધારે ભોજન વિતરણ થાય છે. જે માટે વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં કુલ રૂ. ૨૫૦૨.૩૬ લાખ કરતાં વધારેનો ખર્ચ થયો છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ. પાંચમાં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે.