સેલવાસના પુલ પરથી પિતા-પુત્ર કાર સાથે ખાડીમાં તણાયા
(પ્રતિનિધિ) સેલવાસ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસ ના ડોકમરડીના જૂના પુલ પરથી એક પિતા પુત્ર કારમાં સેલવાસ તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે પુલ પરથી કાર પસાર કરવાની લાયમાં કાર સીધી પાણીના ધમધસતા પ્રવાહમાં ખેંચાઈ જતાં પિતા પુત્ર તણાઇ ગયા હોવાનો બનાવ સર્જાવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારની મોડી રાત્રે સેલવાસના ડોકમરડી ખાડીની બાજુમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા મુકુલભાઈ ભગત તેમના ૭ વર્ષના પુત્ર સિદ્ધુ સાથે તેમની આઈ-૨૦ કારમાં બેસી ડોકમરડીથી ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન નવા બનાવેલા પુલની જગ્યાએ મુકુલભાઈએ શોર્ટકર મારવા ના ચક્કરમાં લો લેવલના પુલથી કારને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
જાે કે, શુક્રવારના રોજ સાંજે ૭-૩૦ કલાકથી મધુબન ડેમ પ્રશાસન દ્વારા તબક્કાવાર ૧ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતું. જેને લઈ ડોકમરડીના લો લેવલના પુલ પર પાણી ફરી વળ્યા હતા. તેમ છતાં મુકુલભાઈએ પાણીમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કરતાં કાર વચ્ચે ફસાઈ જવા પામી હતી.
નવા પુલ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોએ આ દ્રશ્ય જાેઈ તાત્કાલિક બૂમાબૂમ કરી મુકુલભાઈને તુરંત ગાડીમાંથી પોતાના પુત્ર સાથે બહાર નીકળી સુરક્ષિત જગ્યાએ ખસી જવા જણાવ્યું હતું. તેમ છતાં મુકુલભાઈ પોતાના પુત્ર સાથે કારમાં બેસી તેને રીવર્સ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં કાર સીધી ધમધસતાં પાણીના પ્રવાહમાં ખાડીમાં તણાઈ જવા પામી હતી. જેને પગલે મોટા પુલ પર ઉભેલા લોકોએ ઘટનાને નિહાળી તેનો વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. જ્યારે અમુક જાગૃત નાગરિકોએ આ અંગે સેલવાસ પોલીસ તથા ફાયરને જાણ કરતાં સેલવાસ પોલીસ અને ફાયર વિભાગની ટીમ થોડા સમય પછી ઘટનાસ્થળે પહોંચી હતી.
જાે કે, કાર ધમધસતાં પાણીના પ્રવાહમાં છેલ્લે પિપરિયાના પુલ સુધી જ જાેવા મળી હતી. પાણીમાં કાર સાથે તણાયેલા પિતા પુત્રને યુધ્ધના ધોરણે શોધવા તાત્કાલિક ગુજરાત એન.ડી.આર.એફ.ની ટીમ તથા દમણ કોસ્ટગાર્ડની ટીમને જાણ કરવામાં આવી હતી. સાથે જ પ્રદેશના કલેક્ટર ભાનુપ્રભાને પણ જાણ થતાં તેઓએ તેમના પ્રશાસનિક અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
જે બાદ મોડી રાતથી શનિવારના સમગ્ર દિવસ દરમિયાન તણાયેલા પિતા પુત્રની શોધખોળ એન.ડી.આર.એફ. અને દમણ કોસ્ટગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે. આ શોધખોળમાં સેલવાસની સ્થાનિક ટીમ ભારતીય સંસ્કૃતિ યુવા મંચના કાર્યકરો પણ જાેડાયા હતા.
પીપરીયા પાસેથી કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની મૃતદેહ મળ્યા.એનડીઆરએફની ટીમે બોટની મદદથી ખાડીના ધસમસતા પ્રવાહમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. દરમિયાન આજે શનિવારે બપોરે બંને પિતા પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા. સેલવાસમાં કાર માં સવાર પિતા પુત્ર કાર સમેત પાણીના ધમધસતા પ્રવાહમાં શુક્રવારની રાતે તણાયા બાદ આજે બપોરે સેલવાસના પિપરિયા પાસેથી એન.ડી.આર.એફ અને કોસ્ટગાર્ડની ટીમને ડૂબેલી કાર અને ડેડ બોડી મળવા પામી હતી.ં