આ તારીખથી ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં વેકેશન જાહેર કરાયું
(એજન્સી)ગાંધીનગર, રાજયની પ્રાથમિક શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર થઈ છે. જે મુજબ ૯ મેથી ૧૨ જુન રહેશે ઉનાળું વેકેશન રહેશે. આ વેકેશન ૩૫ દિવસનું રહેશે. ૧૩ જુનથી પ્રાથમિક શાળાઓ શરૂ થશે. નાયબ શિક્ષણ નિયામકે વેકેશનને લઈ પરિપત્ર જાહેર કર્યો છે.
રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે.
જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે જણાવેલ તારીખે ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવેલ છે.
ઉનાળુ વેકેશનનો સમયગાળો તા. ૦૯/૦૫/૨૦૨૪ થી તા. ૧૨/૦૬/૨૦૨૪ સુધી (૩૫ દિવસ) સુધી રહેશે. તા. ૧૩/૦૬/૨૦૨૪ થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.
લોકસભા ચૂંટણી પ્રક્રિયામાં યુનિ.ના અધ્યાપકો તથા કર્મચારીઓ જોડાયેલા છે અને મોટાભાગના અધ્યાપકો ચૂંટણી તાલીમ તથા વ્યવસ્થાની કામગીરીમાં જોડાયેલા હોવાથી અધ્યાપકોને વેકેશન તથા અન્ય વાર્ષિક મળવાપાત્ર રજાઓનો લાભ ન મળે તેવી પરિસ્થિતિ ઉભી થતા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને રજૂઆત કરાઈ હતી.
જે અંતર્ગત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં આગામી તા.૯મી મેના રોજથી ઉનાળું વેકેશનનો પ્રારંભ થશે. ગત શુક્રવારે સરકાર તરફથી ઉનાળુ વેકેશનમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ શિક્ષણ વિભાગ દ્વારા તા.૯ મે ૨૦૨૪ થી ૨૩ જૂન ૨૦૨૪ કુલ-૪૬ દિવસ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જો કે વિદ્યાનગરની સ.પ.યુનિ.માં સ્નાતક કક્ષા માટે ગત તા.૨૨મી એપ્રિલથી વેકેશનનો પ્રારંભ થયો હોવાથી સ્નાતક કક્ષાના તમામ કર્મચારીઓને તા.૨૯ એપ્રિલથી તા.૮ મે સુધી સંસ્થામાં હાજર રહેવા જણાવાયું છે.