રાજ્યના ફ્રન્ટ લાઇન વર્કર્સ માટે પ્રિકોશન ડોઝ આપવા ત્રણ દિવસ તા.૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન ખાસ ઝુંબેશ
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં “કોવિડ વેક્સીનેશન અમૃત મહોત્સવ” અભિયાન શરૂ કરાવવામાં આવ્યું હતું.
જે અંતર્ગત ગત તા. ૧૫મી જુલાઇ, ૨૦૨૨થી ૧૮-૫૯ વર્ષની વયજૂથના લાભાર્થીઓને સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર વિનામૂલ્યે કોવિડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યના સૌ નાગરિકો પણ આ પ્રિકોશન ડોઝ લઇ સુરક્ષીત થવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના ફ્રન્ટ લાઇન વર્કર્સ અને હેલ્થ કેર વર્કર્સને કોવીડ વેક્સીનેશનના પ્રિકોશન ડોઝ આપવા માટે આગામી ત્રણ દિવસ તા.૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન ખાસ ઝુંબેશ યોજાશે. જે અંતર્ગત આશા બહેનો, આંગણવાડી વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ફ્રન્ટ લાઇન વર્કર્સ અને હેલ્થ કેર વર્કર્સના લાભાર્થીઓને મોબલાઇઝ કરવામાં આવશે. એટલુ નહિ, વિવિધ વિભાગો સાથે સંકલન કરી જે તે વિભાગની કચેરીમાં જ વેક્સિનેશન સેશનનું આયોજન કરી ફ્રન્ટ લાઇન વર્કર્સનું વેક્સીનેશન કરવામાં આવશે.
મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યના તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર ૧૫મી જુલાઇ, ૨૦૨૨થી શરૂ કરી ૭૫ દિવસ સુધી એટલે કે આગામી તા.૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી આ કોવિડ રસીકરણનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. ૧૮થી ૫૯ વર્ષ વયજૂથના અને બીજા ડોઝના ૬ મહિના પૂર્ણ કરી ચૂક્યાં છે
તેમના માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે. તા. ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી રાજ્યમાં તમામ જિલ્લા/કોર્પોરેશનમાં આ વયજૂથના અંદાજિત ૪ કરોડ પાત્ર લાભાર્થીને આ પ્રિકોશન ડોઝનો લાભ મળશે. જેના માટે અંદાજિત દૈનિક ૬ હજાર કોવિડ વેક્સિનેશન કેન્દ્રો પર ૧૨ હજારથી વધુ તાલીમબદ્ધ આરોગ્યકર્મીઓ દ્વારા રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રથમ અને બીજા ડોઝની જેમ જ વિવિધ સરકારી સંસ્થાઓ અને જાહેર સ્થળો પર રસીકરણ કેન્દ્રો ઊભા કરી તમામ પાત્રતા ધરાવતા નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે અને આગામી ૭૫ દિવસોમાં મહત્તમ લાભાર્થીઓને આવરી લઈ સ્વસ્થ ગુજરાતના નિર્માણનું આયોજન છે.