Western Times News

Gujarati News

IBISનો ડેટાબેઝ FSLને ગુન્હો ઉકેલવામાં ઉપયોગી

FSL ખાતે હાલમાં ૧,૭૨૦ બુલેટ્સ અને ૩,૮૧૯ કારતૂસના  ખોખાની ફાયર આર્મ્સ સિગ્નેચરનો ડેટા બેઝ ઉપલબ્ધ

ફાયર આર્મ્સમાંથી ફાયરીંગની ઘટનાઓમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા ઇન્ટિગ્રેટેડ બેલેસ્ટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (IBIS) ના ડેટાબેઝનો ઉપયોગ કરી જે તે ગુન્હામાં વપરાયેલ ફાયર આર્મ્સની ઓળખ કરી ગુન્હો ઉકેલવામાં સહાયરૂપ બનતી હોવાનું ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વિવિધ ગુન્હામાં વપરાયેલ ફાયર આર્મ્સના ડેટા બેઇઝની ઉપયોગીતા અંગે ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ફાયર આર્મ્સ સંબંધી કબ્જે લેવામાં આવેલ બુલેટ, ફાયર થયેલ કારતૂસના ખોખા અને વેપન પરના વિશિષ્ટ ચિન્હોનો ડેટાબેઈઝ IBISનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે. આ સિસ્ટમમાં FSL પાસે હાલમાં ૧,૭૨૦ બુલેટ્સ અને ૩,૮૧૯  કારતૂસના ખોખાની ફાયર આર્મ્સ સિગ્નેચરનો ડેટાબેઝ એકત્ર કરવામાં આવ્યો છે.

તેથી આજ પ્રકારના ફાયર આર્મ્સનો અન્ય કોઇ ગુન્હામાં ફરી ઉપયોગ થયો હોય તો ડેટા બેઈઝની મદદથી આવા જ પ્રકારના અન્ય ગુન્હાને સાંકળી જે તે ગુન્હો ઉકેલવામાં મદદ મળે છે. સાવરકુંડલા, ગાંધીનગર, કલોલ અને કડી ખાતે નોંધાયેલા ફાયર આર્મ્સના ગુન્હાઓ IBIS સિસ્ટમથી ઉકેલી શકાયા હોવાનું ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાતની FSL વિશ્વની નામાંકીત સંસ્થા તરીકે પ્રખ્યાત હોવાનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, FSL વિવિધ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોલીસને ગુન્હાઓ ઉકેલવામાં સહાયરૂપ બને છે. FSL ખાતે દસ્તાવેજોની ઓળખ, નકલી ચલણી નોટો, પોલીગ્રાફ પધ્ધતિ, નાર્કો એનાલિસીસ, સાયબર ક્રાઇમ, વોઇસ સ્પેકટ્રોગ્રાફી તથા ડી.એન.એ. ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડેટાનું એનાલીસીસ કરી ગુન્હાઓ ઉકેલવામાં સહાય કરી હોવાનું ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.  સુરત ખાતે તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ લાગવાની દુઃખદ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારોને પણ FSLની મદદથી પુરાવા એકત્ર કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હોવાનું ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.