G-20 દેશોના ઊર્જા મંત્રીઓની અસાધારણ બેઠક યોજાઇ
નવી દિલ્હી, એપ્રિલ 10, 2020, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તેમજ સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને 10 એપ્રિલ 2020ના રોજ G-20 દેશોના ઊર્જા મંત્રીઓની અસાધારણ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. સાઉદી અરેબિયાએ G-20ના પ્રમુખ તરીકે આ બેઠક બોલાવી હતી અને સાઉદી અરેબિયાના ઊર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલાઝીઝની અધ્યક્ષતામાં તેનું આયોજન થયું હતું. આ બેઠકમાં G-20 દેશોના ઊર્જા મંત્રીઓ, મહેમાન દેશો અને OPEC, IEA અને IEF સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાએ ભાગ લીધો હતો.
G-20 ઊર્જા મંત્રીઓએ આ બેઠકમાં કોવિડ-19 મહામારીના કારણે માંગમાં થયેલા ઘટાડાથી અસરગ્રસ્ત ઊર્જા બજારોની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેના માર્ગો અને માધ્યમો તેમજ વર્તમાન સરપ્લસ ઉત્પાદન સંબંધિત બાબતો પર ધ્યાન આપ્યું હતું.
મુશ્કેલ પડકારોમાંથી બહાર આવવા માટે ખાસ કરીને નિઃસહાય લોકો સહિત દરેક પ્રત્યે માનવકેન્દ્રી અભિગમ રાખવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G-20 દેશોને કરી વિનંતીનો શ્રી પ્રધાને આ બેઠક દરમિયાન પૂનરોચ્ચાર કર્યો હતો.
આ સંદર્ભમાં, મંત્રીએ 80.3 મિલિયન ગરીબ પરિવારોને મફત LPG સિલિન્ડર આપવા માટેની ઉજ્જવલા યોજનાના નેજા હેઠળ 23 બિલિયન ડૉલરના રાહત પેકેજના ભાગરૂપે માનનીય પ્રધાનમંત્રીએ લીધેલા નિર્ણય પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત વૈશ્વિક ઊર્જાની માગનું કેન્દ્ર હતું અને હજું પણ રહેશે. આપણા વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારો ભરવા માટે ભારત સરકારના પ્રયાસો પર પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો.
ઊર્જા બજારમાં વર્તમાન સમયમાં થઇ રહેલા ચડાવઉતારના સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત હંમેશા સ્થિર ઓઇલ બજારોનું હિમાયતી રહ્યું છે કારણ કે તે ઉત્પાદકો માટે વાજબી અને ગ્રાહકો માટે પરવડે તેમ છે. તેમણે પૂરવઠા- આડ પરિબળોને સંતુલિત કરવા માટે OPEC અને OPEC-પ્લસ દેશોના પ્રયાસોને બિરદાવ્યા હતા જે લાંબાગાળે ટકી રહેવા માટે જરૂરી છે. જોકે, તેમણે વિનંતી કરી હતી કે, વપરાશ આધારિત માગની રીકવરી માટે ઓઇલના ભાવો પરવડે તેવા સ્તરે રહે તેવું લક્ષ્ય રાખવું જોઇએ.
G-20 ઊર્જા મંત્રીઓની બેઠક દ્વારા સંયુક્ત નિવેદન અપનાવવામાં આવશે જેમાં અન્ય બાબતોની સાથે સાથે આગામી પગલાં અંગે G-20 ઊર્જા મંત્રીઓને સલાહ આપવા માટે એક ટાસ્ક ફોર્સ રચના કરવાની દરખાસ્ત મૂકવામાં આવે છે અને આગામી દિવસોમાં જોડાયેલા રહેવાની સંમતિ આપે છે.