G20: સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ તેમજ ચંદ્રયાનની થીમ રજૂ કરાઈ
જી 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદ ( 27 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ)
ગુજરાતના ગૌરવસમા મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ગોળમેજી પરિષદના પ્રતિનિધિશ્રીઓ સાથે જોડાયા
સૂર્યમંદિરના ખગોળીય અને વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક મહત્વથી સૌ અભિભૂત થયા.
મહેસાણા, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી ભારતના યજમાનપદે જી -20 ની વિવિધ બેઠકો દેશમાં યોજાઈ રહી છે. જે ભારત માટે ગૌરવની ક્ષણ છે. બેઠકોની આ શૃંખલામાં દિનાંક 27 થી 29 ઓગષ્ટ દરમિયાન ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સની બીજી બેઠક યોજાઇ રહી છે.
G-20 ના મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદની બેઠકના પ્રથમ દિવસે પ્રતિનિધિશ્રીઓએ સુજાણપુરા સોલર પ્લાન્ટ અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.
મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય વિજ્ઞાન સલાહકારોના પ્રતિનિધિઓ સાથે જોડાયા હતા અને વિચાર વિમર્શ કર્યો હતો. પ્રતિનિધિઓએ પ્રસિધ્ધ મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાતમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ ઉપરાંત મોઢેરાનાં શિલ્પ સ્થાપત્ય અને કલાથી આ ડેલીગેશન અભિભૂત થયું હતું. G-20 ના પ્રતિનધિઓને મંદિરના મહત્વ અને અને તેની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
લાઈટ એન્ડ સાઉન્ડ શો માં અપાયેલ વૈદિક કાળથી સૂર્યની ઉત્પત્તિ તેમજ પ્રવર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યના જીવનમાં સૂર્યનો પ્રભાવ તેમજ વિશ્વભરમાં સૂર્યનું મહત્વ અને વિશેષતા અંગેના વિડીયોથી ઉપસ્થિત મહાનુભાવો અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા.
મહેસાણાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલું સુપ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિર ગુજરાતને સોલંકી યુગના શાસનની સ્વર્ણિમ યશોગાથાની ઝાંખી કરાવે છે. સોલંકીયુગના આ સૂર્યમંદિરના ગર્ભગૃહમાં સંવત ૧૦૮૩નો શિલાલેખ કંડારાયેલો છે. જેના પરથી કહી શકાય છે કે ઇ.સ.૧૦૨૭માં આ મંદિર બંધાયું હશે.
પૌરાણિક સમયમાં મોઢેરા તીર્થસ્થાન ગણાતું હતું. આ સૂર્યમંદિર હાલ ગર્ભગૃહ, રંગમંડપ, ગૂઢમંડપ સાથે શિખર વગર ઉભું છે. આ ત્રણેય પરિસરની કુલ લંબાઇ લગભગ ૧૪૫ ફુટ છે. ગર્ભગૃહ અને ગૂઢમંડપ બંને ૭૦ ફુટ લંબાઇ અને ૫૦ ફુટ પહોળાઇમાં છે. ગર્ભગૃહ છ માળનું હશે તેમ મનાય છે. અહીં ૧૭૬ ફુટ લાંબો અને ૨૦ ફુટ પહોળો સૂર્યકુંડ છે. આ સૂર્યકુંડ પણ કલાત્મક કોતરણીથી સુશોભિત છે. સૂર્યમંદિરની સામે જ રંગમંડપ છે.
તે ગૂઢમંડપ કરતા એક ફુટ નીચો છે. રંગમંડપો અદભુત શિલ્પ કોતરણીથી કંડારાય છે અને તેથી જ જીવંત લાગતી આ કલાકૃતિ દર્શનીય છે. બેનમૂન કલાકૃતિથી શોભાતું આ સૂર્યમંદિર વાતાવરણને સૂર્યમય અને સોનેરી બનાવી મુકે છે. આ ઉપરાંત દર વર્ષે યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવની માહિતીથી પણ અતિથિઓને વાકેફ કર્યા હતા.
મોઢેરા સૂર્ય મંદિર ખાતે દેશની અપ્રતિમ સફળતાની ચંદ્રયાનની કૃતી રજૂ કરાઈ હતી જેને પ્રતિનિધિ મંડળ દ્વારા રસપૂર્વક નિહાળી હતી. મુખ્યમંત્રીશ્રી સાથે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત પદાધિકારીઓ જોડાયા હતા.
આ પ્રસંગે G20ના સભ્ય દેશો ઉપરાંત વિશેષ આમંત્રિત દેશોના પ્રતિનધિઓ ઉપસ્થિત રહ્યા હતા. G-20ના દેશોમાં આર્જેન્ટીયા,ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચાઇના, ઇયુ, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશીયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરીયા, રશીયન ફેડરેશન, સાઉદી અરેબીયા, સાઉથ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
આ ઉપરાંત આમંત્રીત દેશોમાંબાંગ્લાદેશ, ઓમાન, નેધરલેન્ડ અને નાઇજેરીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતર રાષ્ટ્રીય સંસ્થાઓમાં વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનેસ્કોના પ્રતિનિધિઓ ડેલીગેશન સાથે જોડાયા હતા.
ભારત સરકારમાંથી નીતી આયોગના સભ્ય ડો વિનોદ પૌલ સહિત વિવિધ સરકારી પ્રતિનધિઓમાં પ્રો અજય કે સુદ, ડો બાલસુબ્રહ્મણ્યમ, ડો. પરવિન્દર, ડો રાજીવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખાંધાર અને વિજ્ઞાન અને ટેકલોનોજી વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટરશ્રી ઇન્દ્રજીતસિંહ વાળા, વીજ કંપનીના અધિકારીશ્રીઓ ઉપરાંત જી.પી.સી.એલ, ટી.સી.જી.એલ, ઇન્ડેક્ષ-બીના અધિકારીશ્રીઓ તેમજ કર્મયોગીઓ મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદના પ્રતિનિધિઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા…..