ગુજરાતમાં કુલ 15 અલગ અલગ સ્થળોએ યોજાશે G20 બેઠકો
જી20ની પ્રથમ બેઠકની યજમાની કરવા ગુજરાત સજ્જ -“Gujarat’s G20 Connect” વિષય પર 23મી જાન્યુઆરીએ વિશેષ સેશનનું આયોજન
ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે “બિઝનેસ-20 ઇન્સેપ્શન”ની બેઠક
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઇ છે. ભારતને અધ્યક્ષતા મળી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પણ અલગ અલગ સ્થળોએ કુલ 15 જી20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે.
ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ “બિઝનેસ-20 (B20) ઇન્સેપ્શન”ની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.
મહાત્મા મંદિર ખાતે યોજાનાર બી-20 ઇન્સેપ્શન મીટીંગ દરમિયાન 23મી જાન્યુઆરીના રોજ સાંજે “Gujarat’s G20 Connect” વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરાયું છે. આ સેશનમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનાત્મક પહેલો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
આ સેશનમાં સૌપ્રથમ ગુજરાતનો પરિચય આપતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને TDS લિથિયમ-આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડીરેક્ટર શ્રી હિસાનોરી તાકાશીબા “Gujarat: Accelerating Inclusive Growth and Sustainable Development” વિષય પર તેમના વિચારો રજૂ કરશે.
ભારતના યજમાનપદે, ગુજરાતના આંગણે G-20 સમિટ
વિશ્વના વિકાસને નવી દિશા આપનાર G20 સમિટની 15 જેટલી મહત્વપૂર્ણ બેઠકો ગુજરાતમાં યોજાશે, જેની શરૂઆત થશે તા.22-24 જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગર ખાતે યોજાનાર B-20 ઇન્સેપ્શન મિટીંગથી અને ગુજરાત બનશે વૈશ્વિક વ્યાપારના ઐતિહાસિક અવસરનું સાક્ષી. pic.twitter.com/uc0oUnUwMn
— CMO Gujarat (@CMOGuj) January 20, 2023
આ ઉપરાંત સેશનમાં ઝાઈડસ લાઈફ સાયન્સના ચેરમેન શ્રી પંકજ પટેલ અને અરવિંદ લીમીટેડના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર શ્રી કુલીન લાલભાઈ પણ વિષય સંદર્ભે તેમના વિચારો રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા એશિયામાં સૌપ્રથમવાર શરુ કરવામાં આવેલો ક્લાઈમેટ ચેન્જનો સ્વતંત્ર વિભાગ, મોઢેરા ખાતે શરુ કરવામાં આવેલો દેશનો સૌપ્રથમ સોલાર પાર્ક, ભારતનું સૌપ્રથમ ૨૪x૭ સોલાર પાવર સંચાલિત ગામ- મોઢેરા અને ગ્રીન મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા જેવી વિશેષ પહેલો ગુજરાતને ગ્લોબલ વેલ્યુ ચેઈન સાથે જોડવાનું કામ કરશે. આ વિવિધ વિષયો પર સેશનમાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે.