Western Times News

Gujarati News

ગગન ગિલ, અને ગુજરાતી કવિ દિલીપ ઝવેરીને સાહિત્ય અકાદમી એવોર્ડ

નવી દિલ્હી, દેશના પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર-૨૦૨૪ની આજે જાહેરાત કરવામાં આવી છે. આ પ્રમાણે, હિન્દીની પ્રતિષ્ઠિત કવયિત્રી ગગન ગિલ અને અંગ્રેજીમાં ઇસ્ટરિન કિરે સહિત ૨૧ ભારતીય ભાષાઓના સર્જકોને વર્ષ ૨૦૨૪ના સાહિત્ય અકાદમી એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવાની જાહેરાત કરાઈ છે.

આ સંદર્ભમાં સાહિત્ય અકાદમીના સચિવ કે.શ્રીનિવાસ રાવે જણાવ્યું કે, ગગન ગિલને તેમના કાવ્યસંગ્રહ ‘મૈં જબ તક આયી બહાર’ માટે, અંગ્રેજીમાં ઇસ્ટરિન કિરેને તેમની નવલકથા ‘સ્પરિટ નાઇટ્‌સ’ માટે, મરાઠીમાં સુધીર રસાલને વિવેચનસંગ્રહ ‘વિંદાંચે ગુદ્યરુપ’ માટે અને ગુજરાતી કવિ દિલીપ ઝવેરીને ‘ભગવાનની વાતો’(કવિતા) માટે સન્માનિત કરાશે.સચિવ કે.શ્રીનિવાસ રાવે વધુમાં જણાવ્યું કે, સંસ્કૃતમાં દીપક કુમાર શર્મા(કાવ્યસંગ્રહ), રાજસ્થાનીમાં મુકુટ મણિરાજ(કવિતાસંગ્રહ), પંજાબીમાં પોલ કૌર(કવિતા સંગ્રહ), કાશ્મીરીમાં સોહન કૌલ(નવલકથા) અને ગુજરાતીમાં દિલીપ ઝવેરી(કાવ્યસંગ્રહ)ને પુરસ્કૃત કરવામાં આવશે.

સાહિત્ય અકાદમીએ હાલ ૨૧ ભાષાઓ માટે એવોર્ડની જાહેરાત કરી છે, જેમાં આઠ કવિતાસંગ્રહ, ત્રણ નવલકથા, બે વાર્તાસંગ્રહ, ત્રણ નિબંધસંગ્રહ, ત્રણ સાહિત્યિક વિવેચન, એક નાટક અને એક સંશોધનનું પુસ્તક સામેલ છે. જ્યારે શ્રીનિવાસ રાવે એમ પણ કહ્યું કે આ પુરસ્કારો માટેની ભલામણ આ ભારતીય ભાષાઓની નિર્ણાયક સમિતિઓ દ્વારા કરાઈ તથા સાહિત્ય અકાદમીના ચેરમેન માધવ કૌશિકની અધ્યક્ષતામાં આયોજિત અકાદમીના કાર્યકારી મંડળની બેઠકમાં આજે તેને અનુમોદન આપવામાં આવ્યું હતું.

અહીંયા નોંધવું રહ્યું કે, સાહિત્ય અકાદમી પુરસ્કાર-૨૦૨૪ માટે પાંચ વર્ષ(૧ જાન્યુઆરી ૨૦૧૮થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૨) દરમિયાન પ્રથમવાર પ્રકાશિત પુસ્તકો પર આપવામાં આવ્યા છે. બંગાળી, ડોગરી અને ઉર્દૂ ભાષાઓમાં પુરસ્કારોની જાહેરાત હવે પછી કરાશે.

સાહિત્ય અકાદમી પ્રતિ વર્ષ ૨૪ ભાષાઓના સર્જકોને પુરસ્કાર માટે સન્માનિત કરે છે. આ વર્ષના વિજેતાઓને આઠમી માર્ચ-૨૦૨૫ના રોજ એક સમારોહમાં એવોર્ડથી સન્માનિત કરાશે, જેમાં એક લાખ રૂપિયાની રકમ, એક સ્મૃતિચિહ્ન અને શાલ સામેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.