Western Times News

Gujarati News

અમદાવાદમાં ગાહેડ-ક્રેડાઇના “૧૭માં પ્રોપર્ટી શૉ”નો પ્રારંભ

રાજ્યમાં બી.યુ પરમીશન સહિતના નીતિ-નિયમોનો વ્યાપક લાભ ડેવલોપર્સ-રિયલ એસ્ટેટ વ્યવસાયકારોને લેવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાહેડ-ક્રેડાઇ આયોજિત ૧૭માં પ્રોપર્ટી શૉ નો અમદાવાદમાં પ્રારંભ કરાવતાં ડેવલોપર્સ અને રિયલ એસ્ટેટ વ્યવસાયકારોને રાજ્ય સરકારે બનાવેલા બી.યુ પરમિશન સહિતના નીતિ નિયમોનો વ્યાપક લાભ લેવા આહવાન કર્યુ હતું.

રાજ્ય સરકાર બધા જ ક્ષેત્રોમાં સર્વગ્રાહી વિકાસ માટે નિયમબદ્ધ રીતે આગળ વધી રહિ છે ત્યારે ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ વ્યવસાયકારો ડેવલપમેન્ટ પ્લાન, બાંધકામ વગેરેમાં સામાન્ય માનવીના હિતને ધ્યાને રાખીને પોતાનું દાયિત્વ નિભાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ ત્રિદિવસીય પ્રોપર્ટી શૉ ના આયોજનને અભિનંદન પાઠવતાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌને કિફાયતી આવાસ મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે.

સમગ્ર દેશમાં ૧ કરોડ ૩ર લાખ જેટલા આવાસો તથા ગુજરાતમાં ૧૦ લાખથી વધુ આવાસો આ યોજનામાં નિર્માણ પામ્યા છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ વિકસાવેલી વિકાસની રાજનીતિને પરિણામે ગુજરાત દેશનું વિકાસ રોલ મોડેલ બન્યુ છે. એટલું જ નહિ, વિદેશી રોકાણકારોની પહેલી પસંદ પણ ગુજરાત છે.

ગુજરાતની આ અવિરત વિકાસ યાત્રાને વધુ ઊંચાઇએ લઇ જવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસના મંત્રથી આગળ ધપવાની નેમ પણ તેમણે દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ બાંધકામ શ્રમિકોને કામકાજના સ્થળે જ રાહત દરે ભરપેટ ભોજન પુરૂં પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ મોટી બાંધકામ સાઇટના શ્રમિકો લઇ શકે છે તેની પણ વિગતો આ અવસરે આપી હતી.

ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રેસિડેન્ટ શ્રી તેજસ જોશીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ક્રેડાઈ અમદાવાદ- ગાહેડ દ્વારા તારીખ ૬ – ૭ અને ૮ જાન્યુઆરીના સમય દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ થલતેજ અમદાવાદ ખાતે ૧૭માં ગાહેડ પ્રોપર્ટી શૉ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૫૦ કરતા વધુ પ્રોજેકટ્સની માહિતી શહેરીજનોને એક જ જગ્યા પરથી મળી રહેશે.

આ સંસ્થાકીય આયોજનમાં ડેવલપર્સ, નાણાંકીય સંસ્થાઓ તથા એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ સહિત કુલ ૬૫ સ્ટોલ્સ છે. નવું ઘર વસાવવા માટે શહેરીજનોને એક જ છત્ર નીચે બધા જ પ્રકારના સેગ્મેન્ટના પ્રોજેક્ટસની વિસ્તૃત માહિતી મળી રહે અને પ્રોપર્ટી ખરીદનારને તમામ સુવિધાઓ સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, લઘુ-સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ તેમજ સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ક્રેડાઇના વાઇસ પ્રેસિડેન્ટશ્રી શેખરભાઇ પટેલ, જીસીઆઇના ચેરમેન શ્રી જક્ષય શાહ તેમજ રાજ્યભરના ડેવલોપર્સ અને બિલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.