રાજકોટના ગોંડલના નવાગામ નજીક ગમખ્વાર અકસ્માત
રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નવાગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ત્રણ યુવાનો બાઇક પર ગોમટા તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી પ્રમાણે, ગોંડલ તાલુકાના ગોમટા ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિકો સોમવાર સાંજના સુમારે ત્રિપલ સવારી બાઈકમાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગોમટા નવાગામ રોડ પર પુલના ખાડામાં ખાબકતા ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા. જેમાંથી એક યુવકનું ગોંડલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હતા.
ત્યારે તેમાંથી એક આધેડે રસ્તામાં દમ તોડી દીધો હતો. ગોમટામાં રહેતા અને છૂટક મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા પરપ્રાંતિય દેવાભાઈ સોમાભાઈ વાસકલ તેનો પુત્ર વિપુલ (ઉંમર વર્ષ ૨૩) તેમજ જીગાભાઈ મોતીભાઈ તાદડ (ઉંમર વર્ષ ૫૦) સોમવાર સાંજના ૭ઃ૦૦ વાગ્યાના સુમારે ગોમટા નવાગામ રોડ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે પુલના ખાડામાં બાઈક ખાબકતા ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા.
ત્યારબાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દેવાભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે વિપુલ અને જીગાભાઈને ગંભીર ઈજા પહોંચી હોવાથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં રસ્તામાં જીગાભાઈએ પણ દમ તોડી દીધો હતો. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. અકસ્માતની જાણ થતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ ઘાયલોની મદદે દોડી આવ્યા હતા.
આ તકે સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ તેમજ નગરપાલિકાની એમ્બ્યુલન્સ હાજર ન હોય ઘાયલોને રાજકોટ રિફર કરવામાં વધુ સમય વીતી ગયો હતો. અકસ્માતની ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. તો રોડ પર પૂલનું કામ કરી રહેલા લોકો સામે પણ સવાલો ઉઠ્યા હતા.SS1MS