ભારતમાં સૌથી વધુ પ્રતિ ટન શેરડીના ભાવ આપતી ફેકટરી આ જગ્યાએ
ગણદેવી સુગર ફેક્ટરીમાં પિલાણ સીઝનનો પ્રારંભ-ગત વર્ષે ગણદેવી સુગર દ્વારા ૧૨ લાખ ટન શેરડીના પિલાણ સાથે ૧૩.૯૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન મેળવ્યુ હતું
નવસારી, નવસારી જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર પછી શેરડીનો પાક લેવાય છે. શેરડીના ખેડૂતોએ સહકારી માળખું રચી સ્થાપેલી ગણદેવી સુગર ફેકટરી, છેલ્લા ૧૭ વર્ષોથી ભારતમાં સૌથી વધુ પ્રતિ ટન શેરડીના ભાવ આપતી ફેકટરી રહી છે.
ત્યારે સુગર ફેકટરીના કાર્યકારી ચેરમેન રતિલાલ પટેલ સહિત અન્ય ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં પૂજા વિધિ સાથે પિલાણ સીઝનનો પ્રારંભ કરાવ્યો હતો. સુગર દ્વારા આ વર્ષ દરમિયાન ૧૧.૫૦ લાખ ટન શેરડી પિલાણ સામે ૧૨ લાખ ટનથી વધુ ખાંડનું ઉત્પાદન મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ગણદેવી સુગર ખાંડ સાથે બાય પ્રોડક્ટમાં મોલાસીસ, જેમાંથી રેકટિફાઇડ સ્પિરિટ અને તેમાંથી ઇથેનોલ બનાવે છે. સાથે જ બગાસ અને બાયો કંપોઝ ખાતરનું ઉત્પાદન પણ કરે છે. ગત વર્ષે ગણદેવી સુગર દ્વારા ૧૨ લાખ ટન શેરડીના પિલાણ સાથે ૧૩.૯૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન મેળવ્યુ હતું.
જેની સાથે જ ૯૦ હજાર ટન બગાસ, ૨૭ હજાર ટન બાયો કંપોઝ ખાતર, ૧.૩૦ કરોડ લીટર રેકટિફાઇડ સ્પિરિટ અને ૯૯.૧૬ લાખ લીટર ઇથેનોલનું ઉત્પાદન મેળવી સારી એવી આવક મેળવી હતી. જેના થકી સુગર ફેક્ટરીએ ગત વર્ષે રાજ્યની તમામ સુગર ફેક્ટરીઓમાં પ્રતિ ટન શેરડીના ખેતર બેઠા ૩૯૬૧ રૂપિયા ભાવ ચુકવ્યા હતા,
જે ફેબ્રુઆરીથી મે મહિના સુધીમાં ક્રમશઃ ૧૦૦ રૂપિયાના વધારા સાથે ખેડૂતોને આપવામાં આવ્યા હતા. સુગર ફેક્ટરીની કાર્યપ્રણાલીથી નવસારીના ખેડૂત સભાસદોમાં ખુશી છે અને આ વર્ષે પણ સુગર સારો ભાવ આપે એવી આશા સેવી રહ્યા છે.