ગાંધી આશ્રમ રોડ ઉપર આવેલ બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા તરફનો માર્ગ વાહનો માટે બંધ કરાયો
અમદાવાદ શહેરમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમને રીસ્ટોર અને રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કરવા અંગે વાહનોની અવર-જવર માટે કાયમી ધોરણે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી હાલના મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમને રીસ્ટોર અને રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ માટે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરીયલ ટ્રસ્ટની રચના કરવામાં આવેલ છે. જે ટ્રસ્ટની રચના માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવેલ છે.
પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા હાલ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ જે બે ભાગમાં વહેંચાયેલ છે તેને એકત્રિત કરી પ્લાન બનાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટના આયોજનના ભાગરૂપે હાલ સુભાષબ્રીજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા આશ્રમ રોડ પૈકી બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો અંદાજિત ૮૦૦-મીટરનો જતો-આવતો માર્ગ કાયમી ધોરણે વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ કરવાનો થાય છે.
હું અજયકુમાર ચૌધરી, IPS, ઇ/ચા.પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી)ની સત્તા અન્વયે સુભાષબ્રીજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા આશ્રમ રોડ પૈકી બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો જતો-આવતો માર્ગ નીચે મુજબની વિગતે વાહન વ્યવહારની અવર-જવર માટે કાયમી ધોરણે પ્રતિબંધિત ફરમાવવા માટે હુકમ કરુ છું.
વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત :
૧. સુભાષબ્રીજ સર્કલથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ રોડ ઉપર આવેલ બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા તરફનો જતો-આવતો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત :
૧. સુભાષબ્રીજથી વાડજ તરફ જવા-આવવા માટે સુભાષબ્રીજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ સીધા રાણીપ બસ સ્ટેન્ડ ટીથી ડાબી બાજુ વળી નવા બનેલ માર્ગ થઇ કાર્ગો મોટર્સ થઇ સાબરમતી રીવરફ્રન્ટ માર્ગ (પશ્ચિમ) તથા વાડજ તરફ અવર-જવર કરી શકાશે.
૨. સુભાષબ્રીજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલથી ડાબી બાજુ વળી પલક ત્રણ રસ્તા ટીથી ડાબી બાજુ વળી વાડજ સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
અપવાદ : મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની આસપાસ રહેતા સ્થાનિક રહેવાસીઓ તથા આશ્રમની મુલાકાતે આવતા મુલાકાતીઓ સુભાષબ્રીજથી આશ્રમ તરફ અવર-જવર કરી શકશે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૦૯/૧૧/૨૦૨૪ના રાત્રી કલાક ૦૦.૦૦થી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.