ગાંધીજી સમાજ સુધારક હતા તેનાથી વધારે જીવન સાધક હતા : રમેશ તન્ના
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્રના ઉપક્રમે એચ.કે. સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનીંગ ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથીએ આજરોજ સ્મૃતી વ્યાખ્યાન યોજાયું હતું. આ વ્યાખ્યાનમાં જાણીતા પત્રકાર રમેશ તન્નાએ ઉપસ્થિત રહીને ગાંધીજીના વિચારોને યુવાનો સમક્ષ ઉજાગર કર્યા હતાં. સેન્ટરના સંચાલક ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો.જગદીશ ભાવસારે વિકસીત ભારત નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગાંધી વિચારની ઉપયોગિતા પર પ્રસ્તાવના કરી હતી.
રમેશ તન્નાએ ગાંધી જીવનમાંથી આજના સમયમાં આત્મસાત કરવાની ત્રણ બાબતો શારીરિક શ્રમ, સંવેદના અને પર્યાવરણના વિવિધ પાસાઓ ઉજાગર કર્યા હતાં તેઓએ જણાવ્યું હતું કે ગાંધીજી સમાજ સુધારક હતાં તેનાથી વધારે જીવન સાધક હતાં ગાંધીજીએ કહ્યું હતું કે શરીર શ્રમ નથી કરતી તે વ્યક્તિને જમવાનો અધિકાર નથી. ગામડું માનવતાનો આત્મા છે.
આજે શરીર શ્રમ શરમ બની ગઈ છે. જે મનુષ્યના જીવનમાં હિતકારી નથી. તનના અને મનના રોગ ઉદભવવાનું કારણ શરીરશ્રમ પરત્વેનું દુર્લક્ષ છે.
આજના પ્રસંગે ગાંધીજીના શ્રમકાર્યના સંદેશને ઝીલવા વિચાર પ્રસાર કેન્દ્રના સમિતિ સભ્ય અને એચ.કે. આટ્ર્સ કોલેજના ઈતિહાસ વિભાગના અધ્યક્ષા ડો. ફાલ્ગુનીબેન પરીખે ઓછામાં ઓછા ૩૦ મીનીટ શ્રમકાર્ય કરવાનો સંકલ્પ સૌને લેવડાવ્યો હતો. આજના કાર્યક્રમમાં ડો. યોગેશ પારેખ, બાબુભાઈ ચાવડા, ડો. નીશા રામપાલ, ડો. ધ્યુતિ યાજ્ઞિક, શ્રી પ્રો.એચ.કે. ઠાકર, અમીતાબેન પાલખીવાલા, અધ્યાપકો, યુવાન છાત્ર-છાત્રાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના અંતે ગુજરાત યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગના વડા ડો. દિલીપ ચારણે આભારદર્શન કર્યું હતું.