Western Times News

Gujarati News

ગાંધીનગરમાં GUDAના 7 પ્લોટની હરાજી થશેઃ 300 કરોડની આવક થશે

ગુડા દ્વારા આગામી ૩ જાન્યુઆરીએ ૭ પ્લોટની હરાજી કરવામાં આવશે -ઓનલાઈન હરાજી કરાશે ગુડાને અંદાજિત ૩૦૦ કરોડની આવક થશે

ગાંધીનગર, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળનું તંત્ર છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં મુકાયું છે જેના લીધે ગુડા દ્વારા આવક ઉભી કરવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુડા વિસ્તારમાં તબક્કવાર પ્લોટની હરાજી પણ કરવામાં આવે છે આ અન્વયે પ્લોટના વેચાણ માટે હરાજીની પ્રક્રિયાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુડા દ્વારા ૭ પ્લોટ હરાજી કરવામાં આવનાર છે.

જયારે આ પ્લોટની હરાજી પ્રક્રિયા આગામી તા.૩ જાન્યુઆરીના રોજ હાથ ધરાશે જયારે ઓનલાઈન હરાજીની પ્રક્રિયા ૭ કલાક સુધી ચાલશે. આ અન્વયે એક પ્લોટનું ઓકશન ૧ કલાક સુધી ચાલશે. પ્લોટ હરાજીની આ પ્રક્રિયા ઓનલાઈન રહેશે સોફટવેરના આધારે કરવામાં આવશે. જયારે આ પ્લોટની હરાજીની પ્રક્રિયાના અંતે ૩૦૦ કરોડથી વધુ આવક થાય તેવી સંભાવના છે.

ગુડા દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૭ના સરગાસણ વિસ્તારમાં વાણિજય હેતુના ર અને રહેણાંક હેતુના ૩ મળીને પ પ્લોટ તથા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૬ના કુડાસણ વિસ્તારમાં વાણિજય હેતુના ર પ્લોટ સાથે ૭ પ્લોટની હરાજી કરવામાં આવશે.

ગુડા દ્વારા નિયત થયા મુજબ અગાઉ આ પ્લોટ માટે ઓનલાઈન નોંધણી ૧૬ ડિસેમ્બર સુધી કરવા સમય નિયત કરાયો હતો જયારે હવે આ સમય મર્યાદા વધારી ૩૦ ડિસેમ્બર કરવામાં આવી છે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અગાઉ ૩ જાન્યુઆરીના રોજ હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જયારે હવે ૩ જાન્યુઆરીએ આ ૭ પ્લોટની હરાજી કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

ગુડાના આ પ્લોટની હરાજીના મામલે રજિસ્ટ્રેશન ને અનુલક્ષી યોગ્ય પ્રતિસાદ નહી મળતાં આ મામલે પણ વિચારણા હાથ ધરવામાં આવી હતી હરાજીમાં મુકાયેલા પ્લોટમાં અડચણ હોવાથી ગુડા દ્વારા ડેવલપરોને વધુ સમય આપવામાં આવ્યો છે. ગુડા દ્વારા આ પ્લોટની હરાજી ૩ જાન્યુઆરીએ કરવામાં આવશે. જયારે આ હરાજી એન પ્રોક્યોર સોફટવેરના આધારે કરવામાં આવશે જેમાં ડેવલપર્સ, બિલ્ડર ઓનલાઈન પોતાના ભાવ મૂકી શકશે.

ગુડા દ્વારા એક બાદ એક આ પ્લોટની ઓકશન કરવામાં આવશે. આ પ્રક્રિયા સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. ક્રમ મુજબ પ્લોટની હરાજી કરાશે. પ્રથમ પ્લોટની હરાજી સવારે ૧૧ થી ૧ર સુધી ચાલશે. બીજા પ્લોટની હરાજી ૧ર થી ૧ દરમિયાન બાદમાં એક પ્લોટનો સમય પુરો થયા બાદ બીજા પ્લોટની હરાજી પ્રક્રિયા હાથ ધરાશે. આ સમગ્ર પ્રક્રિયા ગુપ્તતા જળવાય તેનો પણ વિશેષ ખ્યાલ રાખવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.