ગાંધીનગરમાં ભારતીય તટરક્ષક દળના ૪૭મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
રાજ્યપાલ અને ગૃહ રાજ્ય મંત્રીએ કોસ્ટગાર્ડના બ્રોશરનું વિમોચન કર્યું
(માહિતી) ગાંધીનગર, ભારતીય તટરક્ષક દળ-કોસ્ટ ગાર્ડના વીર સૈનિકોએ દૃઢ મનોબળ, ધૈર્ય, વીરતા અને શૌર્યથી સમુદ્રના તાલ-તરંગો સામે લડીને દેશની દરિયાઈ સીમાની સુરક્ષા સાચવી છે. રાષ્ટ્રની આંતરિક શાંતિ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતીય તટરક્ષક દળના ૪૭ મા સ્થાપના દિવસે ગાંધીનગરમાં આયોજિત ભવ્ય સમારોહમાં સંબોધન કરતાં કહ્યું હતું કે, સીતાજીની શોધમાં લંકા જવા માટે શ્રીરામ રામેશ્વરમ્ ના દરિયાકાંઠે આવ્યા ત્યારે સમુદ્રએ પોતાના તાલ-તરંગોથી તેમને ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ શ્રીરામ સમુદ્રથી ડગ્યા ન હતા અને આખરે સમુદ્રએ માર્ગ કરી આપ્યો હતો. ભારતીય તટરક્ષક દળ પણ સમુદ્રના તાલ-તરંગોથી ભયભીત થયા વિના કઠિન પરિસ્થિતિમાં અનુકૂલન સાધીને ફરજ પર તહેનાત રહે છે અને રાષ્ટ્રની રક્ષા કરે છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને દક્ષિણ પશ્ચિમી વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડર એરમાર્શલ શ્રી વિક્રમ સિંહજીની ઉપસ્થિતિમાં તટરક્ષક દળના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર દ્વારા ગાંધીનગરના સર્કિટ હાઉસના પ્રાંગણમાં ૪૭ મા કોસ્ટગાર્ડ રાઈઝિંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્થાપના દિવસની કેક કાપી હતી અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે કોસ્ટગાર્ડના બ્રોશરનું લોકાર્પણ કર્યું હતું. મહાનુભાવોએ ગરિમાપૂર્ણ ડ્રીલ અને સનસેટ સેરેમની નિહાળી હતી.
પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રદેશની સરકારો અને પોલીસ દળના સહયોગમાં-સંકલનમાં રહીને ભારતીય તટરક્ષક દળે સમુદ્રી સીમાઓને અભેદ કરી છે. રાત-દિવસ જાેયા વિના શૌર્ય, વીરતા અને નીડરતાથી સીમાની સુરક્ષાની કઠિન કામગીરી નિભાવી છે. ભારતીય માછીમારોની સુરક્ષા સાચવી છે,
એટલું જ નહીં દરિયાઈ માર્ગે ભારતમાં માદક દ્રવ્યો ઘૂસાડવાનો પ્રયત્ન કરનારા દેશના દુશ્મનોને પકડીને ભારતના યુવાનોનું રક્ષણ કર્યું છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાતની સમુદ્રી સીમામાંથી રુ. ૧,૩૮૦ કરોડના મૂલ્યના ૨૩૬ કિ.ગ્રા. માદક પદાર્થો જપ્ત કર્યા છે. ૩૮ વિદેશી નાગરિકો સહિત સાત વિદેશી બોટ પકડી છે. ૬૯ વ્યક્તિઓના જીવ બચાવ્યા છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના પોલીસ તંત્રને પણ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે આ કામગીરીથી દેશના લોકોનું મનોબળ વધુ મજબૂત થયું છે. ભારતીય તટરક્ષક દળના ગૌરવની સ્થાપના કરતાં કરતાં રાષ્ટ્રની રક્ષા માટે સેવારત કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ અને જવાનોને તેમણે શુભકામનાઓ પાઠવી હતી.