58 લાખના ખર્ચે ગાંધીનગરની 29 જર્જરીત આંગણવાડીઓની મરામત કરાશે
ગાંધીનગર જિલ્લામાં પ૮ લાખના ખર્ચે ર૯ આંગણવાડીની મરામત થશે-રાજય સરકારની વર્ષ ર૦ર૩-ર૪ની ગ્રાન્ટ ફાળવવા ડીડીઓએ વહીવટી મંજૂરી આપી
દહેગામ તાલુકા પંચાયતની ૪ આંગણવાડી કેન્દ્રોને રૂ.૮ લાખ અને દહેગામ પાલિકાની ૪ આંગણવાડી કેન્દ્રોને ૮ લાખ ફાળવાશે
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાં આવેલી ર૯ આંગણવાડી કેન્દ્રોની મરામત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટી મંજૂરી આપી છે. રાજય સરકારની વર્ષ ર૦ર૩-ર૪ની ગ્રાન્ટ આઈ.સી.ડી.એસ શાખાને ફાળવવામાં આવી છે.
આઈસીડીએસ શાખા સંચાલિત જિલ્લામાં આવેલી આંગણવાડીઓની સ્થિતિ ચકાસવામાં આવી હતી. તેમાં ર૯ આંગણવાડીની હાલત અત્યંત જર્જરીત જોવા મળી હતી. ચોમાસામાં બાળકોને બેસાડી શકાય તેમ ન હોવાથી તેની મરામત આવશ્યક હતી. ડીડીઓ દ્વારા ગ્રાન્ટ ફાળવવા માટેની વહીવટી મંજૂરી આપવામાં આવતા હવે રૂ.પ૮ લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રોને રિપેરીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર તાલુકા પંચાયતમાં ૩ આંગણવાડી કેન્દ્રોને રૂ.૬ લાખ, કલોલ તાલુકા પંચાયતમાં ૪ આંગણવાડી કેન્દ્રોને રૂ.૮ લાખ, કલોલ પાલિકામાં ૩ આંગણવાડી કેન્દ્રોને રૂ.૬ લાખ, માણસા તાલુકા પંચાયતમાં પ આંગણવાડી કેન્દ્રોને રૂ.૧૦ લાખ, માણસા તાલુકાના પાલિકાની ૬ આંગણવાડી કેન્દ્રોને રૂ.૧ર લાખ, દહેગામ તાલુકા પંચાયતની ૪ આંગણવાડી કેન્દ્રોને રૂ.૮ લાખ અને દહેગામ પાલિકાની ૪ આંગણવાડી કેન્દ્રોને ૮ લાખ મળી કુલ ર૯ આંગણવાડી કેન્દ્રનો સમાવેશ કરાયો છે. તેની મરામત માટે રૂ.પ૮ લાખનો ખર્ચ કરવામાં આવશે.
આ ઉપરાંત આઈ.સી.ડી.એસ શાખામાં વર્ષ ર૦ર૪-રપમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી મહિલા અને બાળ યુવા સમિતિની રૂ.૭પ લાખની ગ્રાન્ટમાંથી કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રોનું રિપેરીંગ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
જેમાં ગાંધીનગર તાલુકાની પ આંગણવાડી કેન્દ્રોને રૂ.૧ર,૭૧,૮૭૧, કલોલ તાલુકામાં ૯ આંગણવાડી કેન્દ્રોને રૂ.ર૪,૬પ,૬૧૩, માણસા તાલુકાના ૮ આંગણવાડી કેન્દ્રોને રૂ.૧ર,૯૬,૯૦૦ દહેગામ તાલુકામાં ૯ આંગણવાડી કેન્દ્રોને રૂ.ર૪,૬પ,૬૧૬ અને એમ ૭પ આંગણવાડીનો સમાવેશ કરાયો છે.