ગાંધીનગરનું અક્ષરધામ ૨૫મીથી હરિ ભક્તો માટે ખુલ્લું મુકાશે
ગાંધીનગર: ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર લગભગ ૨૧૫ દિવસ બાદ ૨૫મી ઓક્ટોબરથી ફરીથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. કોરોના મહામારીને કારણે અક્ષરધામ મંદિર ખાતે ૧૯ માર્ચથી જ દર્શન, આરતી, અભિષેક, સત્સંગ વગેરે બધું જ દર્શનાર્થીઓ અને ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું.
જો કે, હવે ૭ મહિનાના સમયગાળા બાદ ૨૫મીથી ફરીથી અક્ષરધામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં કોરોનાએ ગુજરાતમાં એન્ટ્રી લીધા બાદ રાજ્યના પ્રસિદ્ધ મંદિરો ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા હતા.
લોકડાઉનની પ્રક્રિયા બાદ દેશભરમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અનલોક-૫માં આશરે ૭ મહિનાના સમયગાળા બાદ ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરને ભક્તો માટે ખોલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અક્ષરધામ મંદિર ખાતે સાંજે ૫થી ૭.૩૦ સુધી દર્શન કરી શકાશે.
મીડિયા રિપોર્ટ મુજબ ૨૫મીથી ખુલનારા અક્ષરધામ મંદિરમાં કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. જેના અનુસંધાને મંદિરમાં થર્મલ ગનથી તાપમાન ચેક કરી તેમજ હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ દરમિયાન દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું પડશે. પ્રાપ્ત માહિતી મુજબ મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.