ઢોર પકડવાની પાર્ટીએ પકડેલું ઢોર મહિલા છોડાવી ગઈ
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર મહાનગર પાલિકામાં ઢોર પકડવાની પાર્ટીએ પકડેલું ઢોર છોડાવવા પશુપાલક દંપતીએ ધમપછાડા કરી પોલીસ કર્મચારીઓ સામે ઘર્ષણ કરી પકડેલું ઢોર છોડાવી જવાની ઘટના ચર્ચાસ્પદ બની છે.
ગુજરાતમાં રખડતા ઢોર નિયંત્રણ બાબત માથાનો દુખાવો બની રહી છે.
એક તરફ હાઇકોર્ટના કડક વલણથી સરકાર ઢોર નિયંત્રણ બાબતે અસરકારક કામગીરી કરવા મથામણ કરી રહી છે. તો બીજી તરફ તાજેતરમાં જ ઢોર પકડ પાર્ટી ના બે કર્મચારીઓ પશુ નહીં પકડવાના મુદ્દે પશુપાલક પાસેથી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.
જ્યારે આજે પશુપાલક દંપતી એ મહાનગર પાલિકાની ઢોર પકડ પાર્ટી અને પોલીસ સાથે ઘર્ષણ કરી ગાય છોડાવી જવાની ઘટના ચર્ચા ના એરણે રહી છે. ઉલ્લેખનીય છે કે આજે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાના હાર્દ સમા વિસ્તારમાં કર્મચારીઓ દ્વારા રખડતી ગાયને પકડવામાં આવી હતી.
આ દરમિયાન તેના મૂળ માલિક એવું દંપતિ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું જ્યાં તેમણે ઢોર પકડ પાર્ટી અને પોલીસ સાથે ઘર્ષણ કરી પોતાની ગાય છોડાવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન પશુપાલક મહિલા એ મહાનગરપાલિકાના કર્મચારીઓ સામે ઉગ્ર બોલા ચાલી કરી હતી
અને પોતાની ગાયને છોડાવવા માટે ધમ પછાડા કર્યા હતા પરિણામે બાંધેલી ગાયને દાંતરડા ની મદદથી દોરડું કાપી ગાયને ભગાડી હતી. આ દરમિયાન કાર્યવાહીમાં રોકાવટ લાવનાર મૂળ માલિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે આંશિક બળ પ્રયોગ કરવો પડ્યો હતો.
જ્યારે આ ઘટનાક્રમ વચ્ચે પશુપાલક મહિલાને બાંધેલી ગાય છોડાવવામાં સફળતા મળી હતી. જાેકે કર્મચારીઓ અને પશુપાલક વચ્ચે થયેલી બબાલ ના કારણે ભડકેલી ગાય ભર ટ્રાફિક વચ્ચે દોડતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ અટવાઈ પડ્યા હતા.
પરંતુ મોટી ઘટના ટળી ગઈ હતી. એટલું જ નહીં આ ઘટના ક્રમ વચ્ચે ઢોર નિયંત્રણની ટીમ વિલા મોઢે દોડતી ગાયને જાેઈ રહી હતી . નોંધનીય છે કે ભારે ટ્રાફિક વચ્ચે પશુપાલક યુગલ અને કર્મચારીઓ વચ્ચે જામેલા અફરાતફરીના દ્રશ્યો અને હાથમાં દાતરડું લઈને ગાય છોડાવવા દોડતી મહિલાનું રણચંડી રૂપ જાેઈને રાહદારીઓ પણ અચંબામાં પડી ગયા હતા.