ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં નવલી નવરાત્રીના પહેલા જ નોરતે ખેલૈયાઓ મન મૂકીને મહાલ્યા
જામ ખંભાળિયાના આંબાવાડી ઇન્ટરનેશનલ કલાવૃંદની બહેનોની કલાથી ગાંધીનગર મંત્રમુગ્ધ
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવલી નવરાત્રી-2022 માં પહેલા નોરતે જ ખેલૈયાઓ મન મૂકીને મહાલ્યા હતા. કોરોનાકાળના બે વર્ષ પછી ગરબાનાં આયોજનો થતાં ખેલૈયાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાતો હતો. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ઉલ્લાસ અને ઉમંગભર્યા આયોજનમાં સેન્ટ્રલ વિસ્ટા પાસેના જી.સી.એફ. ગ્રાઉન્ડમાં દિવ્ય અને ભવ્ય ગરબાનું આયોજન કરાયું છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીના ગર્ભગૃહમાં પ્રજ્વલિત દીવામાંથી આણેલી જ્યોતનું ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉન્ડમાં સ્થાપન કરવામાં આવે છે. છેલ્લા 34 વર્ષથી ગાંધીનગરથી પગપાળા અંબાજી જતા જય અંબે પરિવારના સ્વયંસેવકો પહેલા નોરતે અંબાજી જઈને માતાજીની દિવ્ય જ્યોત ગાંધીનગર લાવ્યા હતા.
પહેલા નોરતે સાંજે અંબાજીથી પધારેલી દિવ્ય જ્યોતનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે જ્યોતિ સ્વરૂપ માં જગદંબાનું ગરબા ગ્રાઉન્ડમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રીકૃષ્ણકાન્તભાઈ જહા, ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશ લાલા અને અન્ય મહાનુભાવોએ દિવ્ય જ્યોતનું સ્વાગત કર્યું હતું. સમગ્ર નવરાત્રી દરમિયાન આ દિવ્યજ્યોત ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણાંમાં અખંડ પ્રજવલિત રહેશે.
પહેલા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ, પૂર્વ સનદી અધિકારી અને વરિષ્ઠ લેખક-સાહિત્યકાર શ્રી વી.એસ. ગઢવીએ માં જગદંબાની આરતી ઉતારી હતી.
ગાંધીનગર કલ્ચર ફોરમના આંગણામાં જામ ખંભાળિયાના આંબાવાડી (ઇન્ટરનેશનલ) કલાવૃંદના કલાકારોએ માથે બેડાં, દીપમાળા અને માતાજીની માંડવડી લઈને ગરબા કર્યા હતા. સમતુલા, સ્થિરતા અને એકાગ્રતાની પરાકાષ્ઠાસમા આ અજોડ, અણમોલ અને બેનમૂન નર્તને ગાંધીનગરના નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
52 બેડા માથે લઈને બહેનોએ ગરબા કર્યા હતા તો ગોફ નૃત્યનું પણ અદભુત પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગર કલ્ચરલ ફોરમ તરફથી આંબાવાડી કલાવૃંદ, જામખંભાળિયાના સંચાલક શ્રી ડાહ્યાભાઈ નકુમનું ખેસ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
પહેલા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમની પરંપરા અનુસાર શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામો આપવામાં આવે છે. પહેલા નોરતે બેસ્ટ પર્ફોર્મન્સ (પ્રિન્સ)તરીકે શ્રી નૃપેશ પુરબીયા અને બેસ્ટ પર્ફોર્મન્સ (પ્રિન્સેસ) તરીકે ઈશાની પટેલ વિજેતા થયા હતા.
આ કેટેગરીમાં રનર્સ અપ તરીકે પ્રકાશસિંહ પરમાર અને કથા સુથાર વિજેતા થયા હતા. બ્રિજ બારોટ અને હેમાંગી પટેલ બેસ્ટ પેર રહ્યા હતા. આ કેટેગરીમાં અરુણસિંહ ઝાલા અને દિશા જોશી રનર્સ અપ રહ્યા હતા. પરંતુ રહ્યા હતા. 35 વર્ષથી મોટી વય જૂથના વર્ગમાં બેસ્ટ કિંગ તરીકે કુણાલ શાહ અને બેસ્ટ ક્વીન તરીકે ડૉ. અર્ચના માને વિજેતા થયા હતા.
નવદીપ બારોટ અને બેલા શાહ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ કેટેગરીમાં પ્રિન્સ તરીકે સોનુ સુરતી અને પ્રિન્સેસ તરીકે જાનવી રાવલ વિજેતા થયા હતા. સાહિલ રબારી અને પ્રિયંકા પરમાર રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર કેટેગરીમાં આયુષ બારોટ અને આસ્થા શાહ વિજેતા થયા હતા. જ્યારે પ્રણિત જૈન અને નિરાલી વ્યાસ રનર્સ અપ રહ્યા હતા.
બેસ્ટ કીડ કેટેગરીમાં પ્રિયાંશ રજવાણીયા અને તપસ્યા પંડ્યા વિજેતા થયા હતા. જ્યારે વેદ પટેલ અને માન્યતા ભાવસાર રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં સમય શાહ અને ઝેન્સી પટેલ વિજેતા થયા હતા. જ્યારે આરવ પટેલ અને નિવી ડણક રનર્સ અપ રહ્યા હતા.