‘વાઘાણી’ અટકના અર્થઘટન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખડખડાટ હસ્યા!
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ સરળ અને સહજ છે.તેનો અનુભવ વિક્રમ સંવતના નવા વર્ષનાં પ્રારંભે ભાવનગરના લોકોને થયો.વાત જાણે એમ બની કે ભાવનગર જિલ્લાના કોબડી ગામે આવેલ સર્વેશ્વર ગૌધામ આશ્રમની ગૌશાળાના ઉદ્દઘાટન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગયા હતા.ત્યાં પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય જિતુ વાઘાણી પણ હાજર હતા.
આ કાર્યક્રમનાં ઉદ્દઘોષકે વક્તા તરીકે વાઘાણીને રજૂ કરતી વખતે એવું કહ્યું કે ‘મને આ વાઘાણી અટક ખૂબ ગમે છે કારણકે તેઓ કોઇની ઘાણી(હેરાનગતી) કરતા નથી.’ આ સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખડખડાટ હસી પડ્યા હતા અને લાંબા સમય સુધી બાળકની જેમ હસતાં રહ્યા હતા.
અહીં પ્રશ્ન એ થાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્દઘોષકે વાઘાણીની પ્રશંસા કરવા માટે ઉચ્ચારેલ શબ્દો પર હસી પડ્યા હતા કે એ વાત સાચી ન લાગવાને કારણે હસતાં રહ્યા હતા? વળી,અહીં મહત્વ એ વાતનું છે કે મુખ્યમંત્રીએ વિક્રમ સવંત ૨૦૮૧નો પ્રારંભ મુક્તમને હસતા હસતા કર્યો છે અને એ શુકનવંતી નિશાની ગણાય તેમજ તેનો લાભ ગુજરાત રાજ્યની જનતાને થાય એવી ઉજળી આશા પણ રાખી શકાય હોં !
વિક્રમ સંવતના નવા વર્ષનાં પ્રારંભે પત્રકારો સાથે યોજાતો મુખ્યમંત્રીનો મિલન સમારોહ
ગુજરાતનાં મુખ્યમંત્રી દર વર્ષે વિક્રમ સંવતના નવા વર્ષનાં પ્રારંભ પછી અમદાવાદ- ગાંધીનગરના પત્રકારો સાથે ભોજન સહ મિલન સમારોહ યોજે છે.આ મિલન સમારંભ મંત્રી નિવાસ સંકુલમાં આવેલા કમ્યુનિટી સેન્ટરમાં યોજવામાં આવે છે.
આ પ્રસંગે અમદાવાદ -ગાંધીનગરના લગભગ તમામ સિનિયર અને જુનિયર પત્રકારો ઉપસ્થિત રહેવાનો પ્રયત્ન કરે છે.આ સમારોહ ગરિમામય વાતાવરણમાં યોજાય છે.
મુખ્યમંત્રી મુક્તમને પત્રકાર મિત્રોને મળે છે અને પત્રકારો જમતા હોય એ દરેક ટેબલ પર જઈને વ્યક્તિગત રીતે સૌને મળવાનો પ્રયત્ન કરે છે.
પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પરસ્પરને ઓળખતા પણ રૂબરૂમાં ભાગ્યે જ મળતાં પત્રકારો પણ અહીં એકબીજાને મળી લે છે અને વાતો તથા વિચારોની આપ-લે કરી લે છે.મુખ્યપ્રધાન,પ્રધાનો સાથેના આ મિલનની વિશિષ્ટતા એ હોય છે કે અહીં પ્રશ્નોત્તરીનો અભાવ હોય છે અને સંવાદ ચાલતો રહે છે.
વિક્રમ સંવત ૨૦૮૧ના વર્ષનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેનું પત્રકારોનું મિલન ક્યારે થશે? આ અંગે સચિવાલયમાં ચાલતી ચર્ચા જો સાચી માનીએ તો મુખ્યમંત્રીનાં સચિવ અને માહિતી વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખ હાલ રજા પર છે અને તેઓ તા. ? ૧૧મી નવેમ્બરે હાજર થવાનાં છે.
એ સંદર્ભે હવે સંભવતઃ આગામી તા.૧૩/૧૧/૨૪ને બુધવારના દિવસે પત્રકારો સાથેનો મુખ્યમંત્રીનો મિલન સમારોહ યોજાશે એવું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે.જોઈએ હવે શું થાય છે તે!
રાજકીય નેતાઓ દ્વારા પત્રકારોને વિક્રમ સંવતના નૂતન વર્ષે મોકલાતી શુભેચ્છાઓ
ભા.જ.પ.નાં કેટલાંક નેતાઓ વિક્રમ સંવતના નૂતનવર્ષે ખાસ યાદ રાખીને પત્રકારોને દિવાળીની શુભેચ્છા પ્રતિકાત્મક સ્વરૂપે મોકલે છે અને એ પણ આદરપૂર્વક તથા પૂરા વિવેક સાથે.આમાં નોંધપાત્ર ગણી શકાય
તેમાં (૧)ઃ-સી.આર.પાટીલ (૨)ઃ- કેબીનેટ મંત્રી ઋષીકેશ પટેલ(૩)ઃ-રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ગાંધીનગર(ઉતર)ના ધારાસભ્ય શ્રીમતી રીટા પટેલનો સમાવેશ થાય છે.આ તમામની પત્રકારોને શુભેચ્છા પાઠવવાની રીત(પ્રક્રિયા) એક સરખી છે.
(ક)ઃ-આ ચારેય રાજકીય નેતાઓ પત્રકારોના નામ, સરનામું અને મોબાઈલ નંબરની વિગતો અધ્યતન રાખે છે.
(ખ)ઃ-તેમનાં પ્રતિનિધિ(એટલે કે પક્ષના મીડિયા સેલના હોદ્દેદાર અથવા મંત્રીનાં કાર્યાલયના કર્મચારી) યાદી અનુસારના પત્રકારોને ફોન કરીને તેમને મળવાનાં સ્થળ અને સમયની અનુકૂળતા પૂછે છે અને એ પછી
(ગ)ઃ-ભા.જ.પ.ના મિડિયા સેલનો હોદ્દેદાર કે મંત્રી ના કાર્યાલયનો કર્મચારી જે તે પત્રકારે સુચવેલા સમયે અને સ્થળે રૂબરૂ જઈને તેમને શુભેચ્છા ભેટ આદરપૂર્વક આપે છે.આ વિધિમાં અપાતી ભેટનું બહુ મહત્વ નથી પણ તે આપવા માટે કરાતી પ્રક્રિયા અગત્યની છે.એમાંથી જે તે રાજકીય નેતાના વિવેક અને આવડતના દર્શન થાય છે.રાજકીય કારકિર્દી ઘડવા ઈચ્છતા રાજકીય કાર્યકરોએ આમાંથી શીખવા જેવું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાના વાવ વિસ્તાર ખુંદી વળ્યા છે
ભા.જ.પ.ના કાર્યકર્તાઓને કોકવાર તો એવું લાગે છે કે લગભગ એક ડઝન ખાતાઓનો હવાલો સંભાળતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પક્ષ દ્વારા ભાવી નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે!
તેનું કારણ એ છે સરકારની કે પક્ષની કોઈપણ અગત્યની બાબત હોય ત્યારે હર્ષ સંઘવીને આગળ કરવામાં આવે છે. તેનું તરોતાજા ઉદાહરણ એ છે કે હર્ષ સંઘવીને બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે ખાસ મોકલવામાં આવ્યા છે.હર્ષ પણ ખૂબ ચબરાક છે એટલે લોકોની નાડ પારખીને જનતાને ગમતું હોય એવું બધું કરતાં રહે છે. ચૂંટણીનો માહોલ જમાવવા માટે સંઘવીએ બનાસકાંઠાના ટળાવ ગામમાં લોકો સાથે ચા પીતા પીતા ‘ચાય પે ચર્ચા ‘ ચર્ચા કરી હતી
અને રુણી ગામના લોકો સાથે ખાટલા પર બેસીને ચર્ચા કરી હતી.અત્યારે તો હર્ષ સંઘવીએ વાવમાં અડ્ડો જમાવી દઈને બધું જ ધ્યાન વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કેન્દ્રીત કર્યું છે અને જો આ ચૂંટણીમાં ભા.જ.પ.ના ઉમેદવાર જીતી જશે તો શંકર ચૌધરી સાથે હર્ષ સંઘવીનું રાજકીય કદ અને વજન વધી જશે એ નક્કી છે.આમેય હર્ષ સંઘવી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રિયપાત્ર તો છે જ.વાવ પેટાચૂંટણીમાં જો પક્ષની જીત થશે તો સંઘવી અમિત શાહનો વધુ પ્રેમ મેળવશે એ નક્કી ગણાય.
સચિવાલય કેડરના ઉપસચિવને પ્રતિનિયુક્તિના ધોરણે છેક અંબાજી મોકલાયા
ગુજરાત સરકારમાં કેટલાક વહીવટી હુકમો એવાં વિશિષ્ટ અને વિચિત્ર થાય છે કે વાંચનાર સૌ આશ્ર્ચર્યચક્તિ થઈ જાય છે! આ વાતની સાબિતી પૂરી પાડે એવો એક વહીવટી હુકમ ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગની તા.૦૫/૧૨/૨૪ની અધિસૂચનાથી બહાર પાડવામાં આવ્યો છે.
આ અધિસુચના (ઉર્ફે હુકમ) દ્વારા સામાન્ય વહીવટ વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા પાયલ કેશુભાઈ પટેલની બદલી પ્રતિનિયુક્તિના ધોરણે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ખાતે એસ્ટેટ ઓફિસર તરીકે કરવામાં આવી છે.
એસ્ટેટ ઓફિસરની જગ્યા નીચલા પગારધોરણની હોવાથી એ જગ્યાને ઉપસચિવના પગાર ધોરણમાં અપગ્રેડ પણ કરી દેવામાં આવી છે.નવાઈની વાત તો એ છે કે સચિવાલય કેડરના અધિકારીઓની બદલી સામાન્ય રીતે સચિવાલયની કે ગાંધીનગરની બહાર થતી નથી.તેમ છતાં પાયલ પટેલની બદલી થઈ છે અને એ પણ તેઓની સ્વવિનંતીથી થઈ છે.
એનો સાદો સીધો અર્થ એ થઈ શકે કે સરકારે પોતાના સચિવાલય કેડરના અધિકારીની જરૂરિયાત અને સગવડ સાચવવા માટે આ બદલી કરી છે.સરકાર દરેક મહિલા અધિકારી અને કર્મચારી સાથે આવો માયાળું અને માનવીય અભિગમ રાખે એ પણ ઈચ્છનીય છે હોં!