ગાંધીનગર જિલ્લા કલેક્ટરે અચાનક ગિફ્ટ સિટીની બાંધકામ સાઇટોની મુલાકાત કેમ લીધી?

ગાંધીનગર, એપ્રિલ 11: ગાંધીનગર જિલ્લામાં શ્રમયોગીઓની સુરક્ષા અને સુવિધાઓની ચકાસણી કરવાના હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે દ્વારા આજે ગિફ્ટ સિટી ખાતે આવેલ REVA અને SHIVALIK CURVE બાંધકામ સાઇટની મુલાકાત લેવામાં આવી હતી.
હાલમાં ચાલી રહેલી તપતી ગરમીની પરિસ્થિતિમાં શ્રમયોગીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે કલેક્ટરશ્રીએ સ્થળ પર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અધિકારીઓને શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અંગે સૂચનાઓ આપી હતી.
મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ બાંધકામ સાઇટ પર શ્રમિકો માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાઇટ પર શ્રમિકો માટે ઠંડા પાણી, લીંબુ સરબત, છાશ અને છાંયડાની યોગ્ય વ્યવસ્થા જોઈને કલેક્ટરશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ગરમીની મોસમ દરમિયાન શ્રમિકોને પૂરતું પીવાનું પાણી, તરલ પદાર્થો અને આરામ માટેની વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રી દ્વારા આવી નિયમિત મુલાકાતો લેવામાં આવી રહી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહી, તેમને કામકાજના સ્થળે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી રહી છે.