ચૂંટણીની જાહેરાત થતાં જ ગાંધીનગરમાં ચૂંટણી કાર્યાલયો જીવંત બન્યા

મહિનાઓથી સુમસામ પડેલા ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયો પર ચહલપહલ વધી
ગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલીકાની ચૂંટણીઓની જાહેરાત સાથે જ છેલ્લા કેટલાક મહિનાથી સુમસામ બનેલા રાજકીય ઉમેદવારોના કાર્યાલયોમાં ફરી ચહલપહલ જાેવા મળી રહી છે. ગઈકાલથી જ શહેરના અનેક રાજકીય પક્ષોના ચૂંટણી કાર્યાલયો પર કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની બેઠકો યોજવા સાથે કાર્યાલયની સાફ સફાઈ જેવા કાર્યો પણ હાથ ધરાયેલા જાેવા મળ્યા હતા.
શહેરમાં કોરોના મહામારીની બીજી લહેર અગાઉ ચૂંટણીઓનો માહોલ જામ્યો હતો ત્યારે તમામ ઉમેદવારો દ્વારા પોત પોતાના વોર્ડમાં સેકટર વાઈઝ અથવા વિસ્તાર વાઈઝ ચૂંટણી કાર્યાલયો શરૂ કરાયા હતા જયાં સતત ચા-નાસ્તાની જયાફતો સાથે કાર્યકર્તાઓ માટે ભોજનની સુવિધા પણ જાેવા મળતી હતી.
આ સાથે કાર્યાલયો પર રાત્રિ બેઠકો પણ સતત ચાલતી હતી પરંતુ ચૂંટણી મુલત્વી રાખવાની જાહેરાત થયા બાદ અનેક ઉમેદવારોએ મંડપ, ગાદી, ગાંદલા કે જગ્યાનું ભાડાનો ખર્ચ અટકાવવા કાર્યાલય બંધ કરી દીધા હતા જે ઉમેદવારો પાસે પોતાની જગ્યામાં કે વગર ભાડાની જગ્યામાં કાર્યાલયો બનાવાયા હતા
ત્યાં પણ કાર્યકર્તાઓની અવરજવર નહીવત થઈ જતા ચા-પાણી- નાસ્તાની સુવિધાઓ પર કાપ મુકવામાં આવ્યો હતો અથવા બંધ કરી દેવાઈ હતી જેના કારણે મહિનાઓથી ચૂંટણી કાર્યાલયો સુમસામ પડી ગયા હતા. જાેકે ગઈકાલે મનપાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ફરીથી ચૂંટણી કાર્યાલયોમાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે અને બંધ થઈ ગયેલા ચૂંટણી કાર્યાલયો પણ ફરી શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.