કયા નેતા ગુસ્સો જોઈને ગાંધીનગરમાં દબાણ હટાઓ ઝુંબેશનો ફિયાસ્કો થયો?
વગદાર નેતાનો ગુસ્સો જોઈ ડમ્પરમાં ચડાવેલાં લારી-ગલ્લાં પણ પરત કરાયાં
ગાંધીનગર, ગાંધીનગરના તમામ વિસ્તારોમાં દબાણો સતત વધી રહ્યા છે અને તેના માટે તંત્રની ઢીલી નીતિને જવાબદાર માનવામાં આવે છે. દબાણ હટાવવા માટે નગરજનોએ કરેલી રજૂઆતોને મ્યુનિ. તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળતાં મુખ્યમંત્રી સુધી ફરિયાદો ગઈ હોવાના કિસ્સા છે.
દબાણ મામલે તંત્રના આંખ-મિંચામણા પાછળના વાસ્તવિક પરિબળોનો બુધવારે જાહેરમાં ખુલાસો થઈ ગયો હતો. સે-૧૧માં લારી-ગલ્લાના દબાણ હટાવવાની કામગીરી ચાલતી હતી ત્યારે એક વગદાર નેતા પહોંચી ગયા હતા. આ નેતાએ દબાણ શાખાની ટીમને જાહેરમાં ખખડાવી નાખી હતી. નેતાનો ગુસ્સો જોઈને દબાણ શાખાની ટીમે ડમ્પરમાં ભરી દીધેલાં લારી-ગલ્લા નીચે ઉતારી અભિયાન સમેટી લીધું હતું.
મ્યુનિ. તંત્ર દ્વારા પાછલા અઠવાડિયે ઈન્ફોસિટી- કુડાસણ રોડ પરથી લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા હતા. ઈન્ફોસિટી આસપાસના વિસ્તારની જેમ જ સેકટર-૧૧ અને સે-ર૧માં પણ દબાણનો રાફડો ફાટયો હતો. આ મામલે સ્થાનિકોની રજુઆત બાદ ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી હાથ ધરવા દબાણ શાખાને સૂચના આપી હતી. દબાણ શાખાની ટીમ ડમ્પર-જેસીબી સહિતના સાધનો સાથે બુધવારે સવારે સે-૧૧માં પહોંચી ગઈ હતી.
લારી-ગલ્લાના વેપારીઓએ દબાણ નહીં હટાવવા રજુઆત કરી હતી, પરંતુ ઉચ્ચ અધિકારીએ છૂટો દોર આપ્યો હોવાથી સ્થળ પરના કર્મચારીઓ ટસના મસ થયા ન હતા. વેપારીઓની દલીલ હતી કે, અગાઉ તેઓ સે-૧૧માં મુખ્ય રોડની ફુટપાથ પર લારી-ગલ્લા રાખતા હતા. પૂર્વ મેયરે તેમને જગ્યા બદલીને ખુલ્લા મેદાનમાં ઉભા રહેવાની સૂચના આપી હતી.
વૈકÂલ્પક જગ્યા પૂર્વ મેયરે ફાળવી હોવાથી તેમને ખસેડવા જોઈએ નહી. સામા પક્ષે દબાણ શાખાની દલીલ હતી કે, પૂર્વ મેયરે કામચલાઉ રાહત આપી હતી. તેમણે માનવતાના ધોરણે ઉકત જગ્યાએ ઉભા રહેવા કહ્યું હતું, પરંતુ તેથી કાયમી ધોરણે લારી-ગલ્લાનો હક થઈ જતો નથી.
બંને પક્ષે ઉગ્ર દલીલો વચ્ચે લારી-ગલ્લા, ટેબલ-ખુરશી જેવી વસ્તુઓ ભરીને બે ડમ્પરના ફેરા મારી દેવાયા હતા. દરમિયાન વેપારીઓએ એક વદાર નેતાનું શરણું લીધું હતું. આ નતાએ સ્થળ પર પહોંચતાની સાથે જ દબાણ શાખાની ટીમને જાહેરમાં ખખડાવી નાખી હતી.
કોને પૂછીને સેકટર-૧૧માં આવ્યા છો? અહીંયા લારી-ગલ્લા ખસેડવાના નથી, તેવું વગાદર નેતાએ જણાવ્યું હતું. આ નેતાની ચીમકી સામે ઉચ્ચ અધિકારીઓ પણ ચૂપ રહ્યા હતા. આખરે ઉચ્ચ કક્ષાએથી પીછેહઠની સૂચના મળતાં દબાણ શાખાની ટીમે એક ડમ્પરમાં ભરેલા લારી-ગલ્લા ઉતારી દીધા હતા. તથા અગાઉ જપ્ત કરેલા અન્ય લારી-ગલ્લાં પણ વેપારીઓને પરત કરી દેવાની ખાતરી આપી રવાના થયા હતા.