Western Times News

Gujarati News

ગાંધીનગર લોકસભા વિસ્તારની 1078 ટીમો વચ્ચે યોજાશે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાંસદ ખેલકૂદ સ્પર્ધા અંતર્ગત ‘ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ’નો પ્રારંભ કરાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા અને BCCIના સેક્રેટરી શ્રી જય શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિ

2036ની ઓલિમ્પિક અમદાવાદમાં જ યોજાશે-2047માં આઝાદીની શતાબ્દી સમયે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલમાં ભારત ટોપ પર હશે

 વર્ષ 2010માં ખેલ મહાકુંભમાં 16.5 લાખ રજિસ્ટ્રેશન થયા હતા, આ વર્ષે ખેલ મહાકુંભમાં 66 લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી ‘ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ’નો પ્રારંભ કરાવ્યો હતો. સાંસદ ખેલકૂદ સ્પર્ધા અંતર્ગત SGVP કેમ્પસ ખાતે યોજાનાર ‘ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ’માં ગાંધીનગર લોકસભા વિસ્તારની 1078 ટીમો ભાગ લેશે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બીસીસીઆઈના સેક્રેટરી શ્રી જય શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રોફીનું અનાવરણ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી તથા ગાંધીનગર ઉત્તર અને ઘાટલોડિયા વચ્ચેની પ્રથમ મેચ નિહાળી હતી.

ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનું અમદાવાદ ખાતે ઉદઘાટન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે 2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં જ યોજાશે અને 2047માં ભારત પોતાની આઝાદીની શતાબ્દી મનાવી રહ્યું હશે ત્યારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલમાં ભારત ટોપ પર હશે, એની ખાતરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છેલ્લાં 10 વર્ષમાં અન્ય ક્ષેત્રોની જેમ રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ વિકાસ જોવા મળ્યો, એનાં ભવ્ય પરિણામ આગામી 25 વર્ષોમાં જોવા મળશે, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ તમામ રમતોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે.આધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, સઘન તાલીમ, પારદર્શક પસંદગી વ્યવસ્થા, એથ્લેટ્સના સ્વાસ્થ્યની વિશેષ કાળજી થકી રમતવીરોને પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જોવા મળ્યા છે.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓના પર્ફોર્મન્સમાં આવેલા સુધારાનો વિશેષ ઉલ્લેખ કરીને કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ઓલિમ્પિકમાં આપણે માત્ર બે મેડલ જીતતા હતા, તાજેતરમાં સાત મેડલ જીત્યા છીએ.  પેરાલિમ્પિકમાં પહેલા આપણે 4 મેડલ જીત્યા હતા,  જેની સામે 2020માં પેરાલિમ્પિકમાં આપણે 19 મેડલ જીત્યા.

એશિયન ગેમ્સમાં 57ની સામે 2023માં 107 મેડલ જીત્યા છીએ. પેરા એશિયન ખેલમાં 33ની સામે 2022માં આપણે 111 પદક હાંસલ કર્યા છે. કોમનવેલ્થમાં 15 ગોલ્ડ મેડલની સામે દેશના ખેલાડીઓ હવે 26 ગોલ્ડ મેડલ જીતી લાવ્યા છે.

વધુમાં શ્રી અમિતભાઈએ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈએ સ્પોર્ટ્સ ક્ષેત્રે જે પાયો નાખ્યો છે, તેના પર ભવ્ય ઈમારત ચણાશે, જેમાં દેશની રાજ્ય સરકારોની સાથે સાથે દેશના યુવાનોનું મહત્ત્વપૂર્ણ યોગદાન હશે. દેશના રમતવીરો વિશ્વમાં નામના અપાવશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તાજેતરમાં સંપન્ન થયેલ ગાંધીનગર સાંસદ ખેલકૂદ સ્પર્ધાની વાત કરતા શ્રી અમિતભાઈએ જણાવ્યું હતું કે કુલ 37,800 ખેલાડીઓએ જુદી જુદી 42 રમતોમાં ભાગ લીધો હતો. આ 42 રમતમાં ક્રિકેટનો સમાવેશ નહોતો કરાયો, જેથી યુવાનોને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો શીખવે એવી દેશી રમતોને પૂરતું પ્રોત્સાહન મળે. આજથી શરૂ થવા જઈ રહેલ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગમાં 1078 ટીમો ભાગ લઈ રહી છે અને 16,100 ખેલાડીઓ રમવાના છે, જે રાજ્યમાં વધી રહેલા સ્પોર્ટ્સ કલ્ચરને દર્શાવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે રમતમાં હાર અને જીત બંને હોય છે. હારશો તો જીતવાનું જુનૂન પેદા થશે, અગાઉની જીતનો અહંકાર ચૂરચૂર થશે. હારથી હતાશ નથી થવાનું અને જીતથી અહંકાર નથી લાવવાનો,  આપણી સામે જીતનાર કે હારનાર આપણો ભાઈ જ હોય છે, આવી ભાવના ખેલદિલી પેદા કરે છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે સાંસદ ખેલકુદ સ્પર્ધા તેમજ ગાંધીનગર સાંસદ ક્રિકેટ લીગ (જીએલપીએલ)નો આ પ્રારંભ છે અને તેનો ક્યારેય અંત આવવાનો નથી, એવી તેમણે ખાતરી આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે યુવાનોને આગળ વધવા પોટેન્શિયલ + પ્લેટફોર્મ = પરફોર્મન્સનું આગવું સૂત્ર આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં યોજાઈ રહેલી ‘ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ'(GLPL)યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડીને તેમના પોટેન્શિયલને બહાર લાવવાનો ઉપક્રમ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સાંસદ ખેલકૂદ સ્પર્ધા અને સાંસદ જન મહોત્સવ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને  કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં જન ભાગીદારીથી જન વિકાસને સાકાર કરવા અને કલ્ચર, સ્પોર્ટ્સ તથા હેલ્ધી લાઈફ સ્ટાઈલને પ્રમોટ કરવાના હેતુસર સાંસદ જન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘ખેલે તે ખીલે’ના સૂત્ર સાથે વડાપ્રધાનશ્રી એ શરૂ કરાવેલી સાંસદ ખેલ કૂદ સ્પર્ધા અંતર્ગત GLPL જેવી સ્પર્ધાઓ યોજાઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં સ્પોર્ટ્સના ઉત્તરોત્તર થઈ રહેલા વિકાસ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં રાજ્યમાં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર થકી મજબૂત સ્પોર્ટ્સ કલ્ચર વિકાસ પામ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ‘ગવર્મેન્ટ ફોર એથ્લીટ, ગવર્મેન્ટ ફોર સ્પોર્ટ્સ પર્સન’નો નવો અભિગમ દેશને આપ્યો છે. છેલ્લા બે દશકામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્સની સંખ્યામાં આપણે 8 ગણો વધારો કર્યો છે. રાજ્યમાં આજે કુલ 24 અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત છે.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અમદાવાદના નારણપુરામાં 22 એકરમાં મલ્ટિ સ્પોર્ટ્સ ફેસેલિટી વાળું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ આકાર લઈ રહ્યું છે. 233 એકરમાં વિસ્તરેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાજ્યના મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરની સાબિતી આપે છે. થોડા સમય પહેલા ખૂબ જ ટૂંકા ગાળામાં 36મી નેશનલ ગેમ્સની પણ ગુજરાતે સફળતાપૂર્વક યજમાની કરી હતી અને વર્ષ 2036માં ઓલમ્પિકની યજમાની કરવા આપણે કટિબદ્ધ બન્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં યોજાતા ખેલ મહાકુંભ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રમતગમત જીવનનો મહત્ત્વનો ભાગ છે. રમતગમત યુવાઓમાં શારીરિક અને માનસિક વિકાસની સાથોસાથ ધૈર્ય, હિમ્મત, મહેનત, ચપળતા અને આત્મવિશ્વાસ જેવા ગુણો વિકસાવે છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ 2010માં ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના સૂત્ર સાથે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવેલો.

વર્ષ 2010માં આ સ્પર્ધામાં 16.50 લાખ રજિસ્ટ્રેશન થયા હતા. જ્યારે આ વર્ષે ખેલ મહાકુંભમાં રેકોર્ડબ્રેક 66 લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા છે, જે ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર અને સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમના સુયોજિત ડેવલોપમેન્ટની ખાતરી આપે છે. રાજ્યમાં સ્પોર્ટસ્ ક્ષેત્રે બજેટમાં પણ માતબર વધારો થયો છે. રાજ્યમાં પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સ્પોર્ટ્સ યુનિવર્સિટી કાર્યરત છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સાથે જ, મુખ્યમંત્રીશ્રીએ શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં થયેલા 20,000 કરોડથી વધુના વિકાસકાર્યો, CSR પ્રવૃત્તિઓ સહિતનાં કાર્યોનો ઉલ્લેખ કરીને તથા કેન્દ્ર સરકારમાં નવા સુરક્ષા કાનૂન બાબતે શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.  ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર લોકસભા વિસ્તારનાં વિધાનસભા ક્ષેત્રોના ધારાસભ્યો, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, અમદાવાદ શહેરના ડે. મેયર શ્રી જતીન પટેલ, સંગઠન અને AMCના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.