ર૪ કલાકમાં ફરિયાદના નિકાલ માટે ગાંધીનગર મનપાની મોબાઈલ એપ
નગરજનોની ફરિયાદથી માંડીને સંબંધિત શાખા દ્વારા થયેલી કામગીરીની વિગતો લાઈવ અપડેટ થશે
ગાંધીનગર, પાટનગરવાસીઓ માટે આ વર્ષનું ચોમાસું સૌથી વધારે કપરુ રહ્યું છે. નજીવા વરસાદમાં પણ દરેક વિસ્તારમાં ખાડા અને કિચડની સમસ્યા ઉભી થઈ રહી છે. નાગરિકોની આ સમસ્યાને દૂર કરવા માટે શાસક પક્ષના અગ્રણીઓ અને મ્યુનિ. અધિકારીઓ ખાડા શોધવા અલગ-અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે.
આ સાથે કોઈપણ સમસ્યા હોય તો નાગરિકોનો સંપર્ક કરી રહ્યા છે. પ્રજાજનોની સુખાકારી જાળવી રાખવાની કવાયત અંતર્ગત ગાંધીનગર મનપા દ્વારા મોબાઈલ એપ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં ર૪ કલાકમાં દરેક ફરિયાદનો નિકાલ આવે તેવું આયોજન કરવામાં આવ્ય્ છે.
સ્ટ્રીટ લાઈટથી માંડીને કચરો કે ખરાબ રસ્તા અંગે રજૂઆત માટે મ્યુનિ. દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરાયા છે. નાગરિકો ૧૮૦૦૧૦૮૧૮૧૮ નંબર અથવા મ્યુનિ.ની વેબસાઈટ પર પોતાની રજૂઆત કરી શકે છે. નાગરિકોની ફરિયાદ સંદર્ભે થયેલી કામગીરીને મોનિટર કરવાથી માંડીને સંબંધિત રજૂઆતકર્તા સુધી એકશન રિપોર્ટ પહોંચાડવાની કામગીરી આ બંને માધ્યમો મારફતે કરવામાં આવે છે.
સ્થાયી સમિતિના ચેરમેન જશવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ફરિયાદ નિવારણને વધારે અસરકારક બનાવવા માટે મ્યુનિ. તંત્ર માટે એક વિશેષ મોબાઈલ એપ બનાવવાની વિચારણા ચાલી રહી છે.
આ મોબાઈલ એપમાં નાગરિકો તરફથી મળેલી રજૂઆતને યુનિક આઈડી સાથે સ્ટોર કરવામાં આવશે. બાદમાં સંબંધિત શાખા અધિકારી સુધી આ રજૂઆત પહોંચશે. તેમના દ્વારા શું કામગીરી થઈ તેનું સ્ટેટસ પણ એપમાં લાઈવ અપડેટ થશે. કોઈ ફરિયાદના નિવારણમાં અડચણ આવતી હોય તો તે અંગેનો અહેવાલ પણ આ એપમાં મૂકાશે.
આ તમામ પ્રક્રિયા માત્ર ર૪ કલાકમાં પૂરી થઈ શકે તે માટે ટોચના મ્યુનિ. અધિકારીઓ અને હોદ્દેદારો એપનું મોનિટરિંગ કરશે. પાટનગર યોજના વિભાગ, વન વિભાગ કે અન્ય વિભાગને લગતી રજૂઆત હશે તો સંબંધિત વિભાગને પણ મ્યુનિ. દ્વારા રજૂઆત કરવામાં આવશે અને તેનું ફોલોઅપ લેવામાં આવશે.
હાલ આ મોબાઈલ એપ માટે વિવિધ શાખાની કામગીરી, કર્મચારીના પ્રોફાઈલ અને અત્યાર સુધી આવેલી ફરિયાદોના ડેટા ભેગા થઈ રહ્યા છે. એપ તૈયાર થઈ ગયા બાદ દરેક કર્મચારીથી માંડીને ઉચ્ચ અધિકારી- પદાધિકારીના આઈડી તૈયાર કરવામાં આવશે. એક રીતે આ એપ મ્યુનિ. તંત્રમાં રીઅલ ટાઈમ અપડેટ અને સીધા સંવાદમાં મદદરૂપ બનશે.