ગાંધીનગર પંચદેવ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ૫૦૦ થી વધુ સ્થળોએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી જેણે આજે દસ વર્ષ પૂરા થયા છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં આજે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોના સ્વભાવમાં સ્વચ્છતા કેળવાય તે માટે સરકાર દ્વારા સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ૫૦૦ થી પણ વધુ સ્થળોએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે, જેની શરુઆત રાજ્યના ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગાંધીનગર પંચદેવ મહાદેવ મંદિર ખાતેથી સ્વચ્છતા માટે શ્રમદાન કરી લોકોને આ મહાઅભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ૨૦૪૭માં દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાર્થક કરવા રાજ્ય સરકાર એ દિશામાં સતત કાર્યરત છે.
વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, દેશનો પ્રત્યેક નાગરિક પોતાની આસપાસ સ્વચ્છતા રાખે તે જ પૂજ્ય બાપુને આપણી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે. છેલ્લા ૧૦ વર્ષોમાં ભારતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં અનેક બદલાવ જોયા છે. આવો જ એક બદલાવ સ્વચ્છતા બાબતે નાગરીકોમાં આ અભિયાનથી આવશે તેવી મંત્રીશ્રી એ આશા વ્યક્ત કરી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સ્વચ્છતા અભિયાનથી દેશમાં સાફ-સફાઈ, ચોખ્ખાઈનું એક જન આંદોલન ઉભુ થયું છે. નાગરિકોને સ્વચ્છતાની ટેવો અંગે અનુસરવા અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણે સફાઈના કામમાં સ્વચ્છતા કર્મીઓને કદાચ મદદ ન કરી શકીએ પરંતુ ગંદકી કરીને કે કચરો જ્યાં ત્યાં ફેંકીને સ્વચ્છતા કર્મીનું કામ વધારવું ન જોઈએ, દરરોજ આપણા ઘર, આપણા કાર્યસ્થળની આસપાસ થોડોક સમય સ્વચ્છતાને માટે ફાળવો જોઈએ તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ આગામી નવરાત્રી મહોત્સવ સહિતના તમામ તહેવારોમાં સ્વચ્છતાનો ખ્યાલ રાખી પર્વ ઉજવવાનું આહવાન રાજ્યના સૌ નાગરિકોને કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ સંયોજક શ્રી કૌશલ દવે, તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.