રાજકીય દબાણના પગલે ગાંધીનગરમાં બે પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી થયાની ચર્ચા જાગી
ઉચ્ચ અધિકારીઓ પણ રાજકીય દખલ સામે લાચાર જણાતાં પોલીસ બેડામાં અજંપાનો માહોલ
ગાંધીનગર, સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સરકાર અવાર-નવાર નિષ્પક્ષ કાર્યવાહીના દાવા કરતી રહે છે. સમગ્ર રાજયમાં સલામત માહોલ જાળવી રાખવામાં પોલીસની ભૂમિકા મહત્વની છે અને કોઈની શેહ-શરમ રાખ્યા વગર કાયદા મુજબ વર્તવાની સલાહ પોલીસને અપાતી રહે છે.
આ સલાહ સાંભળવામાં જેટલી સારી લાગે છે, તેટલો જ તેનો અમલ અઘરો છે. ગાંધીનગરમાં ગત સપ્તાહે પાંચ પોલીસ ઈન્સપેકટરની બદલી થઈ હતી જેમાં બે પોલીસ ઈન્સ્પેકટરોની બદલી માટે રાજકીય દબાણ કારણભૂત હોવાની ચર્ચાએ પોલીસ બેડામાં ચકચાર જગાવી છે. પાટનગરમાં જ પોલીસ અધિકારીઓની આ હાલત હોય તો રાજયના અન્ય વિસ્તારોમાં શું સ્થિતિ હશે તેની અટકળો સાથે પોલીસ બેડામાં અજંપાનો માહોલ છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં આર્થિક- ઔદ્યોગિક વિકાસની સાથે અને સમૃદ્ધિ વધી રહ્યા છે. શાંત અને સલામત સ્થળ જણાતું હોવાથી ગાંધીનગરમાં વસતી પણ વધી રહી છે. ગાંધીનગરમાં વધી રહેલી વસતી સાથે ગુનાખોરી ડામવાના પડકારનો પોલીસ રોજ સામનો કીર રહી છે. આ સાથે ગાંધીનગરમાં છાશવારે થતાં આંદોલનો ડામવાની અને વીઆઈપી બંદોબસ્ત જાળવવાની જવાબદારી પણ પોલીસના માથે છે.
જાહેર સ્થળો પર ઉત્પાત મચાવતા અસામાજિક તત્વોને ડામવા માટે ઉચ્ચ અધિકારીઓ કડક હાથે કામ લેવાની સુચનાઓ તાબાના કર્મચારીઓને આપતા હોય છે. જોકે આ સુચનાનં પાલન કરવાનું કેટલું અઘરું છે, તેનો અનુભવ બે પોલીસ ઈન્સ્પેકટરને થયો હોવાનું કહેવાય છે.
ગત સપ્તાહે ગાંધીનગર શહેર અને જિલ્લાના પાંચ પોલીસ ઈન્સ્પેકટરોની જાહેર હિતમાં બદલી થઈ હતી. ચીલોડા પોલીસ મથકના પીઆઈ એન્ડરસન અસારીની બદલી સેકટર-૭ પોલીસ મથકમાં સેકન્ડ પીઆઈ તરીકે કરીને તેમની જગ્યાએ કલોલ શહેર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર આર.આર. પરમારની નિમણુંક કરવામાં આવી છે.
સેકટર-૭ પોલીસ મથકના સેકન્ડ પીઆઈ આર.જી. દેસાઈની બદલી કરીને કલોલ શહેર પોલીસ મથકના ફર્સ્ટ પીઆઈ તરીકે નિમણુંક કરાઈ છે. જયારે છેલ્લા સાત મહિનાથી ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ તરીકે ફરજ બજાવતા પી આર ચૌધરીની પણ બદલી કરીને સેકટર-ર૧ પોલીસ મથકમાં નિમણુંક આપવામાં આવી છે. તો સેકટર-ર૧ પોલીસ મથકના પીઆઈ વી.આર. ખેરની બદલી કરીને ઈન્ફોસિટી પોલીસ મથકમાં નિમણુંક કરાઈ છે.
ગાંધીનગર શહેરના ત્રણ અને જિલ્લાના બે પીઆઈની આંતરિક બદલી બાદ પોલીસ બેડામાં શરૂ થયેલી ચર્ચાએ કર્મચારીઓમાં અજંપાનો માહોલ ઉભો કરી દીધો છે. ગાંધીનગર શહેરના મહત્વના સ્થળો જે પોલીસ સ્ટેશનના તાબામાં આવે છે, તેના પીઆઈની બદલી રાજકીય ઈશારે થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્થાનિક રાજકીય અગ્રણી સાથે આ અધિકારીનો તાલમેલ ગોઠવાયો નહતો, જેના પગલે તેમની બદલી કરવા માટે ઉચ્ચસ્તરે દબાણ થયું હતું તે જ રીતે જિલ્લાના એક પીઆઈ પણ રાજકીય દબાણોને ખાસ ગાંઠના ન હતા.
આ બંને પોલીસ ઈન્સ્પેકટરોએ ઉચ્ચ અધિકારીઓને ભલામણ કરીને બદલી કરાવી હોવાની ચર્ચાએ પોલીસ બેડામાં આઘાતની લાગણી પ્રસરાવી છે. ઉચ્ચ અધિકારીઓ પણ રાજકીય દબાણ સામે લાચાર થઈ જતા હોય ત્યારે તાબાના કર્મચારીઓએ શું કવરું ? તેના ચિંતન સાથે બેડામાં અજંપાનો માહોલ છવાયો છે.