રાજભવનના કર્મચારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર – ‘ઐશ્વર્યમ્’નું રાજ્યપાલના હસ્તે લોકાર્પણ

‘ઐશ્વર્યમ્‘ આશ્રયની સાથોસાથ સુખ, સન્માન, શાંતિ અને સંતોષ પણ આપે એ જ અભ્યર્થના : શ્રી આચાર્ય દેવવ્રતજી
937 દિવસમાં ‘ઐશ્વર્યમ્‘ પરિસરમાં ચ-કક્ષાના 96, ઘ-કક્ષાના 32, ગ-1 કક્ષાના ચાર અને ક-કક્ષાના ચાર આવાસો ઉપરાંત કોમ્યુનિટી હૉલ, આરોગ્ય કેન્દ્ર, 10 દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપન્ન
રાજભવનના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર – ‘ઐશ્વર્યમ્‘ નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે લોકાર્પણ કર્યું હતું. રાજભવન પરિવારને અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ આવાસો અર્પણ કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ‘ઐશ્વર્યમ્‘ એટલે સુખ-સમૃદ્ધિ અને ધન-સંપદા. આ આવાસીય પરિસર રાજભવનના પરિવારજનોને આશ્રયની સાથોસાથ સુખ, સન્માન, શાંતિ અને સંતોષ પણ આપે એ જ અભ્યર્થના.
ગાંધીનગરના જ-માર્ગ પર વર્ષોથી રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ હતા. શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો ત્યારે તેમણે અત્યંત જર્જરીત થઈ ગયેલા સ્ટાફ ક્વાર્ટર્સના નવનિર્માણનું કામ હાથમાં લીધું હતું. તા. 1 નવેમ્બર 2022 ના રોજ તેમણે આવાસીય પરિસરના નવનિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું.
આજે 937 દિવસમાં આ પરિસરમાં ચ-કક્ષાના 96, ઘ-કક્ષાના 32, ગ-1 કક્ષાના ચાર અને ક-કક્ષાના ચાર ભવ્ય આવાસોનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત આ પરિસરમાં ભવ્ય કોમ્યુનિટી હૉલ- ‘સરસ્વતી સદનમ્‘, સંપૂર્ણ સુવિધાયુક્ત રાજભવન આરોગ્ય કેન્દ્ર, 10 દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપન્ન થયું છે. આ આવાસીય પરિસરને ‘ઐશ્વર્યમ્‘ નામ આપવામાં આવ્યું છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તક્તિનું અનાવરણ કરીને ‘ઐશ્વર્યમ્‘ નું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલ શ્રી એ આજે આ પરિસરમાં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના એ.ટી.એમ. સેન્ટરનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ‘સરસ્વતી સદનમ્‘ માં આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ‘ઐશ્વર્યમ્‘ માં હંમેશા ભાઈચારો, એકતા અને પરસ્પર સહિષ્ણુતાનું વાતાવરણ જળવાઈ રહે.
રાજભવનની કોલોનીમાં ક્યારેય કોઈ દૂર્વ્યસન કે અનુચિત આચરણ ન થાય એ જોવાની જવાબદારી હવે અહીં વસતા પરિવારોની છે. બાળકો સૌથી મોટી પૂંજી છે. ‘ઐશ્વર્યમ્‘ માં રહેતા-ઉછરતા બાળકોને એવું જીવન મળે કે તેઓ મોટા થઈને ઈતિહાસ રચે એવા પદ પર પહોંચે.
‘ઐશ્વર્યમ્‘ આદર્શ કોલોની બને એવી અભિલાષા વ્યક્ત કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કોઈને પણ આદર્શ કોલોની જોવી હોય તો તે રાજભવનની ‘ઐશ્વર્યમ્‘ કોલોની જોવા આવવો જોઈએ. આ સુંદર પરિસર અહીં વસતા પરિવારોના જીવનની સમૃદ્ધિનો આધાર બને એમ તેમણે કહ્યું હતું. ‘ઐશ્વર્યમ્‘ માં વસતા પરિવારો પ્રગતિ કરે, ઉન્નતિ કરે અને ઐશ્વર્યશાળી બને એવી શુભકામનાઓ સાથે તેમણે પરિસરનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલશ્રીએ આજે આ પરિસરના ઉદ્યાનમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું તથા આવાસીય પરિસરનું અવલોકન કર્યું હતું.
રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ રાજભવન પરિવારવતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાજ્યપાલશ્રીના સતત માર્ગદર્શનથી આ ભવ્ય અને સુંદર પરિસરનું નિર્માણ થયું છે, ત્યારે આપણા સૌની જવાબદારી છે કે, તેને ભૌતિક અને નૈતિક રીતે સ્વચ્છ રાખીએ. અહીં રહેતા કર્મયોગી કોઈ પ્રકારનું વ્યસન ના કરે અને આ પરિસરને એક આદર્શ પરિસર બનાવવામાં સહયોગી બને તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર તથા અધિક સચિવ શ્રી પતંજલિ મિશ્રાએ સ્વાગત પ્રવચન કરીને પરિસર અંગે માહિતી આપી હતી.
આ અવસરે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ગાંધીનગર સર્કલના જનરલ મેનેજર શ્રી ચંદ્રશેખર વી., રાજ્યપાલશ્રીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્રસિંહ વિદ્યાલંકારજી, રાજ્યપાલશ્રીના ગૃહ નિયામક શ્રી એ.કે.જોષી, સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ, રાજભવનના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.