ગાંધીનગરમાં ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો કોચિંગ ક્લાસ ચલાવતા હોવાની ફરિયાદ
ગાંધીનગર, ગાંધીનગરમાં સરકારી ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો દ્વારા ખુલ્લેઆમ ખાનગી કોચિંગ કલાસ ચલાવતા હોવા બાબતે સે.ર૩ એ માં રહેતા દશરથસિંહ ખેર નામના વ્યકિતએ શિક્ષણમંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી છે. gandhinagar School teachers Private coaching
આ રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે સરકારી ગ્રાન્ટેડ સ્કુલના શિક્ષકો ખાનગી ટયુશન કલાસ કે કોચિંગ કલાસમાં ભણાવી શકે નહી તેવા સરકારનો આદેશ હોવા છતાં પણ આ શિક્ષકો તમામ નિયમો નેવે મુકી કાયદાનું ઉલ્લંઘન કરી કોઈપણ જાતના ડર વિના ખાનગી કોચિંગ કલાસ ચલાવે છે એટલું જ નહી
અમુક શિક્ષકો તો એવું પણ કહી રહ્યા છે કે તેઓ આવું કરવા માટે તેમના પ્રિન્સિપાલને હપ્તા આપી રહ્યાં છે જે અધિકારીને પહોંચાડે છે અને ચૂંટણી નજીક હોવાથી તેમના પર કોઈ જ પગલાં જૂન કે જુલાઈ મહિનામાં લેવામાં આવશે નહી તેવું આ શિક્ષકોને તેમના પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
દશરથસિંહ ખેરે તેમની આ અરજીમાં શહેરની કેટલીક જાણીતી શાળાઓના શિક્ષકોના નામ અને તેઓ જે ખાનગી કોચિંગ કલાસમાં ભણાવી રહ્યાં છે તેની વિગત પણ આપી છે, જેઓ શાળામાં જે વિદ્યાર્થીઓ તેમના ખાનગી કલાસમાં જાેડાતા નથી તેમને યેનકેન પ્રકારે હેરાન કરી રહ્યાં છે
અને સ્કુલમાં લેવાતી પરીક્ષામાં ઓછા માર્કસ આપીને ઈન્ટરનલ ગુણ ઓછા આપવા તેમજ વર્ગમાં વિદ્યાર્થીને ઉતારી પાડવા કે અન્ય રીતે હેરાન કરવાની રીત રસમો પણ અજમાવી રહ્યા છે જેથી તેમની સામે સરકારે કડક પગલા ભરવા જાેઈએ તેવી માંગ દશરથસિંહ ખેરે કરી છે.