Western Times News

Gujarati News

ગુજરાતને દેશનું હાઇટેક મેન્યુફેક્ચરિંગ રિવોલ્યુશનનું કેન્દ્ર બનાવવા સરકાર પ્રતિબદ્ધ

ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2025: ગાંધીનગર ખાતે આયોજિત એક્ઝિબિશનનો શુભારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં સુદ્રઢ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણની નેમ સાથે આયોજિત ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2025ના ઉપલક્ષમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત એક્ઝિબિશનનો શુભારંભ કરાવ્યો હતો તેમજ સેમિકંડક્ટર ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ઇનોવેટિવ પ્રોડક્ટસ અને ટેકનોલોજી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે Silicon Gujarat: Powering India’s Semiconductor Revolution થીમ પર આયોજિત ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2025’નો સેમિકન્ડક્ટરના ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ તથા દેશ-વિદેશના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા આ તકે India Energy Storage Alliance (IESA) દ્વારા તૈયાર કરવામાં આવેલ Semiconductor Manufacturing Supply Chain Report, Compendium of Gujarat Semiconnect Conference-2024નું વિમોચન તેમજ IESA દ્વારા સંકલિત ‘વિઝન ટુ રિયાલિટી – મેક ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સાણંદ ખાતે નિર્માણાધીન કેન્સ ટેક્નોલોજીના OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ) સુવિધાના નવા પ્લાન્ટ તેમજ ધોલેરાની માળખાગત સુવિધાઓમાં વધારો કરતા નવા પ્રોજેક્ટ્સનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ માઈક્રૉન સહિત સેમિકંડક્ટર ક્ષેત્રની વિશ્વની અગ્રણી કંપનીઓ અને ગુજરાત સરકાર વચ્ચે સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ કરતા વિવિધ MoUs અને નવી પહેલો અંગેની મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સર્વે મહાનુભાવોને ગુજરાતની ધરતી પર આવકારતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને સેમિકન્ડક્ટરની ગ્લોબલ ડિમાન્ડ-સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનાવવાના વિઝનને સાકાર કરવા ગુજરાત અગ્રેસર છે.

તેમણે ધોલેરા સહિત સમગ્ર ગુજરાતમાં સેમિકન્ડક્ટર સેક્ટર સાથે સંકળાયેલ અનેકવિધ સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ફેસિલિટીઝ નિર્માણની સાથોસાથ AI, મશીન લર્નિંગ જેવા ભવિષ્યલક્ષી સેક્ટરમાં ગુજરાત સરકારની કામગીરીનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.

વિવિધ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર એવા ગુજરાતને દેશનું હાઇટેક મેન્યુફેક્ચરિંગ રિવોલ્યુશનનું કેન્દ્ર બનાવવા તેમજ ગ્લોબલ સેમીકંડકટર વેલ્યુ ચેનમાં રાજ્યને અગ્રીમ હરોળમાં સ્થાપિત કરવા માટેના સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને અવસરોની ભૂમિ અને નવા ઉભરતા સેક્ટર માટે ગેટ-વે ટુ ધ ફ્યુચર ગણાવતા આ કોન્ફરન્સમાં થનાર મંથન ભારતના સેમિકન્ડક્ટર સેક્ટરને નવા આયામ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.