છેલ્લા બે વર્ષમાં ગાંધીનગરના ૧૬૨૮ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટની તાલીમ અપાઈ
સુરક્ષા સેતુ યોજના અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૨માં પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટાડવા માટે સેતુરૂપ ભૂમિકા ભજવતી આ યોજના અમલી બનાવવામાં આવી હતી. GAndhinagar Student police cadat
આશરે રૂ.૧૦૨ કરોડની ફાળવણી સાથે શરૂ થયેલી આ યોજના અંતર્ગત ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લાના ૧૬૨૮ જેટલા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટને તાલીમ આપવામાં આવી છે.
ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષ દરમિયાન પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બનતી આ યોજનાથી અનેક લોકો લાભાન્વિત થયા છે. સુરક્ષા સેતુ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને સ્વરક્ષણ માટે તાલીમો આપવામાં આવી, આ ઉપરાંત દારૂના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓનું પુનઃર્વસન પણ કરાવવામાં આવે છે.
આવી મહિલાઓ સમાજમાં માનભેર જીવી શકે તેવા નેક હેતુ સાથે પોલીસ અને પ્રજાની જનભાગીદારીથી તેઓને સીવણ જેવી સ્કીલ ટ્રેનીંગ આપવામાં છે, અને સાથે જ તેમના બાળકોના ભણતરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંગે વાત કરતા ઉમેર્યું હતું કે, યુવાનો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ ગુજરાત રાજ્યનું ભવિષ્ય છે. પ્રાથમિક અભ્યાસ કરતા બાળકોને શાળા સમયથી જ કાયદા અને વ્યવસ્થા જાણતા થાય તે માટે બાળકોને શાળા લેવલે જ વિશેષ તાલીમમાં આપવામાં આવે છે.
આ ઉપરાંત તેઓને પોલીસની કાર્યવાહી, કાર્યપદ્ધતિ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. વધુમાં મંત્રીશ્રીએ ગૃહના તમામ સભ્યશ્રીઓને તેમના વિસ્તારની શાળાઓના સ્ટુડન્ટ પોલીસ કેડેટની મુલાકાત લેવા માટે અનુરોધ કર્યો હતો.