મહિલા અને બાળ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને ૧૭ મેના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે “મહિલા સંમેલન” યોજાશે

સખી વન સ્ટોપ સેન્ટર-ખેડાના નવ નીર્મિત ભવનનું ઈ-લોકાર્પણ- સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરાશે
Ahmedabad, રાજ્ય સરકાર દ્વારા નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાના હેતુથી “મહિલા સંમેલન” ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને આવતીકાલે, તા. ૧૭ મેના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે “મહિલા સંમેલન” યોજાશે.
રાજ્ય સરકારે કન્યા કેળવણી, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, મહિલાઓના સંરક્ષણ હેતુ વિવિધ કાયદાઓનું અનુપાલન તથા વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ થકી નારીઓના ઉત્થાનમાં યોગદાન આપ્યું છે.
આવતીકાલે સાંજે ૫ કલાકે ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર-ખેડાના નવ નીર્મિત ભવનનું ઈ-લોકાર્પણ, ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર વિતરણ, વહાલી દીકરી યોજનાના મંજુરી હુકમનું વિતરણ, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનાં મંજુરી હુકમનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં મંજુરી હુકમનું વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાનાં મંજુરી ચેકનું વિતરણ, માતા યશોદા એવોર્ડ વિતરણ, પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવશે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રયાસોથી રાજ્યની મહિલાઓના જીવનમાં એક હકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. મહિલા સશક્તિકરણ થકી ગુજરાત ઉજ્જવળ ભવિષ્ય તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે.