ગાંધીનગરમાં ટ્રાફિક બુથનો ઉપયોગ મંજૂરી વગર જાહેરાતો ચોંટાડવા થતો હતો

ખાનગી કંપની સામે પણ પગલાં લેવાશે, છેલ્લા બે દિવસથી નાઈટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી-ગાંધીનગરમાં આવકનું સાધન બનેલા 32 ટ્રાફિક બુથ હટાવી દેવાયા
ગાંધીનગર, ગાંધીનગરમાં ટ્રાફિકબુથનો કોઈ ઉપયોગ નથી, પોલીસની જરૂરિયાત ન હોવા છતાં ઉપયોગના અભાવ વચ્ચે પણ ટ્રાફિક બુથ ઉભા કરવામાં આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે જાહેરાતો ચિપકાવી ખાનગી કંપનીઓ દ્વારા આવકનું સાધન બનાવી દેવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે,
જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ટ્રાફિક બુથ દૂર કરવા અભિયાન હાથ ધરાયું છે. એસ્ટેટ શાખાએ નાઈટ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી આ અન્વયે દક્ષિણ ઝોનમાંથી જ ૩ર ટ્રાફિક બુથ હટાવી દેવાયા છે. કોર્પોરેશન દ્વારા બુથ કબ્જે લેવાયા છે. જયારે આ પ્રકારની હરકત બદલ ખાનગી કંપની સામે પણ જરૂરી પગલાં લેવાશે.
કોર્પોરેશન દ્વારા આઉટડોર પબ્લિસિટી પોલીસી અમૂલમાં મુકવામાં આવી છે. જે મુજબ શહેરમાં કોઈપણ જગ્યાએ મુખ્ય માર્ગો- પ્રાઈવેટ પ્રોપર્ટી કે જાહેર સ્થળોએ જાહેરખબરના હો‹ડગ્સ, બેનર લગાવવા માટે મંજુરી લેવાનું ફરજીયાત કરાયું છે. આ મામલે નિયત ચાર્જ પણ ચૂકવવાનો થાય છે. મંજૂરી વગર લગાવાયેલા હો‹ડગ્સ કે બેનર ગેરકાયદે હોવાથી કોર્પોરેશન દ્વારા આવા કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવે છે.
આવા સંજોગોમાં શહેરમાં કોઈપણ પ્રકારની મંજુરી વિના જ ટ્રાફિક બુથ ખડકી દેવાયા હોવાનું સ્પષ્ટ થયું છે. શહેરના મુખ્ય માર્ગો કે ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસની કોઈ માંગણી કે જરૂરિયાત વગર ખાનગી કંપની દ્વારા ટ્રાફિક બુથ મૂકી દેવામાં આવ્યા હતા.
જયારે તેના પર જાહેરખબરના બેનરો પણ થોપી દેવાયા હતા. શહેરમાં ટ્રાફિક બુથને પણ જાહેરાતનું માધ્યમ અને સાધન બનાવી દેવાયું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને અનુલક્ષી કોર્પોરેશન દ્વારા આ તમામ ટ્રાફિક બુથ હટાવી દેવાનો નિર્ણય કરાયો છે.
અગાઉ પ૦ જેટલા બુથ હટાવવામાં આવ્યા હતાં, જયારે આ મામલે ખાનગી કંપનીને નોટીસ આપવામાં આવી હતી. આ મામલે કોર્પોરેશન દ્વારા બે દિવસથી ફરી નાઈટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અન્વયે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાંથી ૩ર જેટલા ટ્રાફિક બૂથ દુર કરી દેવામાં આવ્યા છે.