34 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગાંધીનગરમાં ગ-૪ જંકશન પર અંડરપાસનું લોકાર્પણ
ગાંધીનગરના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અતર્ગત એક નવું નજરાણું ઉમેરાયું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રી હિતેશ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ
ગાંધીનગર શહેરમાં વિધાનસભા થી મહાત્મા મંદિર વચ્ચેના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અતર્ગત રૂ. ૩૪.૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ગાંધીનગર શહેરમાં ગ-૪ જંકશન પર અંડરપાસ નું આજે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અતર્ગત ચ-૪ થી ગ-૪ વચ્ચેના રસ્તાને રાજમાર્ગીય તરીકે વિકાસ કરવામાં આવ્યો છે.આ રસ્તા ઉપર ઘ-૪ તેમજ ગ-૪ સેન્ટ્રલ વિસ્ટા ની એકસુત્રતા જંકશન ના કારણે જળવાતી નહતી તેમજ ઘ-૪ જંકશન ઉપર છ રસ્તા ખુલતા હોવાથી ટ્રાફિક ની અડચણ પણ ઘણીજ રહેતી હતી.
આથી સેન્ટ્રલ વિસ્ટા ના મંજુર થયેલ નકશા અનુસાર સેન્ટ્રલ વિસ્ટા ડેવેલોપમેન્ટ કરવા માટે ગ-૪ તેમજ ઘ-૪ ઉપર ગ તેમજ ઘ રોડ ઉપર અન્ડરપાસ બનાવવાની કામગીરી ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવેલોપમેન્ટ લી. દ્વારા કરવામાં આવી રહી છે જે અંતર્ગત ઘ -૪ જંકશન પર અન્ડરપાસનું નિર્માણ કાર્ય ગયા વર્ષે પૂર્ણ કરીને નાગરિકોની સેવામાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ગ-૪ અન્ડરપાસ આજે ખુલ્લો મૂકાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,આ અડરપાસ ના ગ – ૪ જંકશન પર અન્ડરપાસના બોક્ષની લંબાઈ ૧૬૩ મીટર તથા બંને તરફના એપ્રોચની લંબાઈ ૬૯૪ મીટર થઈને કુલ લંબાઈ ૮૫૭ મીટર તથા પહોળાઈ ૧૫.૨૦ મીટર થાય છે. અન્ડરપાસમાં રાત્રીના સમયમાં પુરતો અજવાશ જળવાઈ રહે એ હેતુથી અત્યાધુનિક લાઈટ્સ નાખવામાં આવી છે.
અન્ડરપાસમાં એપ્રોચ તથા બોક્સમાં રાહદારી ઓ ચાલી શકે એ હેતુથી ફૂટપાથ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત કોઈ અકસ્માત ન થાય તથા રોડ સેફટી જળવાઈ રહે એ હેતુથી બંને તરફ ક્રેશ બેરીયર પણ લગાવવામાં આવ્યા છે.
ચોમાસા દરમિયાન અન્ડરપાસના બોક્સમાં પાણી ન ભરાય એ હેતુથી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈનેજ પણ નાખવામાં આવ્યા છે તેમજ આ પાણીના નિકાલ માટે અન્ડરપાસના બોક્સની બંને તરફ એક-એક મળી કુલ બે સમ્પનું તૈયાર કરાયા છે.જેમાં દરેક સમ્પમાં ચાર એમ કુલ આઠ પમ્પ મુકવામાં આવ્યા છે જેના દ્વારા પાણીનો તુરંત નિકાલ થઇ શકશે.
અન્ડરપાસના બોક્સની ઉપર સેન્ટ્રલ વિસ્ટા ના મંજુર થયેલ નકશા અનુસાર સેન્ટ્રલ વિસ્ટા ડેવેલોપમેન્ટ અંતર્ગત સેન્ટ્રલ વિસ્ટાની એકસુત્રતા જળવાઈ રહે એ પ્રકારે ગાર્ડન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે.
આ અન્ડરપાસને લીધે ગાંધીનગરના શહેરીજનોને ટ્રાફિકમાંથી રાહત મળશે, અવાર જવર સરળતાથી કરી શકશે તેમજ સેન્ટ્રલ વિસ્ટા ડેવેલોપમેન્ટના લીધે શહેરની સુંદરતામાં પણ વધારો થશે.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રી હિતેશ મકવાણા સહિત મહાનગર પાલિકાના કોર્પોરેટરશ્રી ઓ સહિત પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિતિ રહ્યા હતા.